Get The App

વડોદરા: ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમો તૈનાત

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમો તૈનાત 1 - image


વડોદરા, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

સોમવારે શહેરમાં સૂસવાટા મારતા ઠંડા પવનો શરૂ થયા હતા. જેને લઇ ઠંડીથી બચવા માટે લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. વાતાવરણમાં શીત લહેર પ્રસરી જતા રાત્રિના તાપમાનમાં 1.02 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર-પૂર્વિય પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. તો બીજી તરફ વાતાવરણમાં  ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.  ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. પરિણામે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે.

વડોદરા: ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમો તૈનાત 2 - image

ઉત્તર-પૂર્વ દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. વહેલી સવારે ઠંડક શરૂ થતાં બાગ-બગીચાઓ સાથે જાહેર રોડ પર લોકો મોર્નિંગ વોક અને કસરત કરતાં નજરે ચઢી રહ્યા છે. આગામી દિવસમાં હજુ ઠંડીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં પણ તબક્કાવાર ઘટાડો જોવા મળશે. સુસવાટા મારતા પવન સાથે  ઠંડીનો માહોલ જામતા રાત્રીના સુમારે લોકો તાપણાનો  આસરો લઇ રહ્યા છે. જ્યારે કેટલાક  લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તો બીજીતરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે. જેમા 30 નવેમ્બરના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યુ છે. જ્યારે, 1 ડિસેમ્બરના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલમા કમોસમી વરસદની શક્યતા છે.

વડોદરા: ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમો તૈનાત 3 - image

વડોદરાથી 6 ઠ્ઠી બટાલિયનની એક ટીમ વલસાડ રવાના

માવઠા અને ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જરોદ સ્થિતિ એન.ડી.આર.એફ. બટાલિયન 6 સતર્ક બની છે. રાજ્યના રાહત કમિશનરના નિર્દેશનુસાર  બટાલિયન દ્વારા એક સાધન સજ્જ ટીમને વલસાડ રવાના કરવામાં આવી છે. બટાલિયન ના નાયબ સેનાપતિ  અનુપમ ના જણાવ્યા મુજબ આ ટીમ બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે પી.પી.ઇ.કીટ અને જરૂરી સામગ્રી સાથે રવાના થઈ છે.

Tags :