Gujarat

ગુજરાતમાં સલામતી નામ પૂરતી : અપહરણ કરાયેલા 734 લોકોનો કોઈ અતોપતો જ નથી

By GS TEAM
2 Oct 20252 mins read
TukuTouch Logo
વિકસિત ગુજરાતમાં દિન-પ્રતિદિન ગુનાખોરી વકરી રહી છે જેના કારણે હવે બાળકીઓથી માંડીને મહિલા-પુરૂષો અસલામતી અનુભવી રહ્યાં છે. જાણે સલામતી નામપુરતી જ રહી ગઇ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં ચોંકાવનારી તારણો રજૂ થયાં છેકે, ગુજરાતમાં પુરૂષોની સરખામણીમાં બાળકીઓ અને મહિલાઓનું અપહરણ વધુ થઇ રહ્યુ છે. એટલુ જ નહીં, અપહરણ કરાયેલાં 734 પુરૂષ, મહિલાઓનો હજુ સુધી કોઇ ભાળ મળી શકી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં સલામતી નામ પૂરતી : અપહરણ કરાયેલા 734 લોકોનો કોઈ અતોપતો જ નથી

National Crime Record Buero Report: વિકસિત  ગુજરાતમાં  દિન-પ્રતિદિન ગુનાખોરી વકરી  રહી છે જેના કારણે હવે બાળકીઓથી માંડીને મહિલા-પુરૂષો અસલામતી અનુભવી રહ્યાં છે. જાણે સલામતી નામપુરતી જ રહી  ગઇ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં ચોંકાવનારી તારણો રજૂ થયાં છેકે, ગુજરાતમાં પુરૂષોની સરખામણીમાં બાળકીઓ અને મહિલાઓનું અપહરણ વધુ થઇ રહ્યુ છે. એટલુ જ નહીં, અપહરણ કરાયેલાં 734 પુરૂષ, મહિલાઓનો હજુ સુધી કોઇ ભાળ મળી શકી નથી. આ પરથી એ વાત છતી થઇ છેકે,  અપહરણકર્તાઓ પાસેથી પુરૂષ-મહિલાઓને છોડાવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આ જોતાં ગુનાગારોએ જાણે ખાખીને પડકાર ફેંક્યો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. 

ગુજરાતમાં એક જ વર્ષમાં અપહરણના 2511 કેસો, અમદાવાદ શહેર મોખરે 

ગુજરાતમાં અપહરણના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દર મહિને અપહરણના સરેરાશ 140 કિસ્સા નોંધાઇ રહ્યાં છે. મહત્ત્વની વાત એછેકે, રાજ્યમાં સૌથી વધુ 12થી 16 વર્ષની વયના બાળકો-બાળકીઓના અપહરણ થયાં છે. વર્ષ 2023માં આ વય ધરાવતાં 771 બાળકો-બાળકીઓના અપહરણ પોલીસ ચોપડે નોંધાયા છે. બાળકો કરતાં બાળકીઓનુ અપહરણનું પ્રમાણ વધુ છે.  

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, પ્રેમ સબંધ, લગ્ન અને વેશ્યાવૃતિ અપહરણ માટે મુખ્ય જવાબદાર પરિબળ રહ્યાં છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બદઇરાદો પણ અપહરણનુ કારણ બની રહ્યુ છે. આંતરિક વિખવાદ, જમીન-મિલ્કતના ઝઘડા અને અંગત અદાવતને લીધે પણ અપહરણના કિસ્સા બની રહ્યાં છે. રાજ્યમાં અપહરણમાં મેટ્રોસિટી અમદાવાદ ટોપ પર રહ્યુ છે.  વર્ષ 2023માં અમદાવાદમાં અપહરણના 296 કેસો નોધાયા હતાં. વર્ષ 2021માં અપહરણના 183 કેસો નોંધાયા હતાં. આ જોતાં અમદાવાદમાં અપહરણના કિસ્સામાં વધારો થયો છે.  

ચોંકાવનારી વાત તો એ છેકે, અમદાવાદમાં એક વર્ષમાં 94 બાળકો અને 165 બાળકીઓનું અપહરણ કરાયુ હતું. અપહરણના કિસ્સા વધી રહ્યાં છે ત્યારે અપહરણકર્તાઓ પાસેથી બાળકો,પુરૂષો અને મહિલાઓને મુક્ત કરાવવામાં ગુજરાત પોલીસ જાણે ઉણી ઉતરી છે કેમકે, રિકવરી રેટ 70.8 ટકા રહ્યો છે.  ગુજરાતમાં અપહરણના 2511 કેસો નોંધાયા હતાં તે પૈકી 1777 કિસ્સામાં પુરૂષ,મહિલાઓ અને બાળકીઓને પરત મેળવવામાં પોલીસને સફળતા મળી હતી પણ 597 મહિલાઓ અને 137 પુરૂષોનો હજુ કોઇ અતોપતો નથી. ગુજરાતમાં પણ બિહારવાળી થઇ રહી છે તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે.