Get The App

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપકડ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
MD Drugs Seized in Palsana


₹10 Crore MD Drugs Seized in Surat : દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.10 કરોડની કિંમતનું 35 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCBએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પલસાણા હાઈવે પર ફિલ્મી ઢબે ઓપરેશન

ચોક્કસ બાતમીને આધારે, NCBની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી 'દાસ્તાન રેસીડેન્સી' માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, રૂ. 25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

મૈસૂરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી હતી લેબોરેટરી

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCBએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી 500 કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

જેલમાં ઘડાયું હતું ષડયંત્ર

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPSના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મીની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

રાજસ્થાનના ચાર શખસોની ધરપકડ

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?

35 કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે 10 કરોડ)

1.8 કિલોગ્રામ અફીણ

રૂ. 25.6 લાખ રોકડ

500 કિલોગ્રામથી વધુ કેમિકલ

ટોયોટા ફોર્ચ્યુનર કાર

હાલમાં NCB આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.