ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નયનાબહેન પટેલની નિમણૂક
- 3 ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહ્યા હતા
- બે ટર્મ સતત ઓબીસી ચહેરા બાદ પુનઃ પાટીદાર ઉમેદવારની પસંદગી
નડિયાદ : ખેડા જિલ્લા ભાજપે ૩ ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા નયનાબેન પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યા છે. છેલ્લી બે ટર્મ સતત ઓબીસી ચહેરો આગળ ધર્યા બાદ હવે પુનઃ પાટીદાર સમાજના નેતાની પસંદગી કરાઈ છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે બે ટર્મથી ઓબીસી ચહેરા તરીકે અજય બ્રહ્મભટ્ટ સુકાન સંભાળતા હતા. ખેડા જિલ્લા પ્રમુખનું છેલ્લા ઘણા સમયથી કોકડું ગૂંચવાયું હતું. આજે પ્રદેશમાંથી પૂર્વ કેબિનેટ મંત્રીની હાજરીમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ માટે નયનાબહેન પટેલની નિમણૂક કરાઈ હતી. ખેડા જિલ્લામાં ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. નયનાબહેન પટેલ હાલ ગુજરાત પંચાયત પરીષદના પણ પ્રમુખ છે. તેઓ પ્રદેશ ભાજપમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી છે.