નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે
Navsari News: નવસારીના ટેટૂ આર્ટિસ્ટ અને ભાજપના પૂર્વ મિડિયા સેલ કન્વીનર જય અનિલભાઈ સોની (ઉ.વ. 33) એ પાંચ મહિના પહેલાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. આરોપી જય સોનીએ લગ્નની લાલચ આપી એક આદિવાસી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ તેણે યુવતીને તરછોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શું હતી ઘટના?
દોઢ વર્ષ પહેલાં આદિવાસી યુવતી તેની એક મિત્ર સાથે જય સોનીના 'ડ્રીમલેન્ડ' ટેટૂ સ્ટુડિયોમાં ટેટૂ કરાવવા ગઈ હતી. ત્યાં જય સોનીએ યુવતીનો મોબાઈલ નંબર મેળવી તેને 'આઈ લવ યુ' અને 'તને હગ કરવું છે' જેવા મેસેજ મોકલીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે યુવતીને કહ્યું કે તે તેની પત્નીને ડાયવોર્સ આપવાનો છે અને પછી તેની સાથે લગ્ન કરી લેશે. આ લાલચ આપીને તે યુવતીને અલગ-અલગ સ્થળે લઈ ગયો અને તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ સંબંધોના પરિણામે યુવતી ગર્ભવતી બની હતી. ત્યારે જય સોનીએ ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો ગર્ભપાત નહીં કરાવે તો તે લગ્ન નહીં કરે. આ બ્લેકમેલિંગથી ડરીને યુવતીએ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો.
ગર્ભપાત પછી પણ જય સોની લગ્ન માટે બહાના કાઢતો રહ્યો. આખરે યુવતી તેના ઘરે પહોંચી અને તેના માતા-પિતાને તમામ વાત જણાવી. પરંતુ, જય સોનીના માતા-પિતાએ યુવતીનું જાતિગત અપમાન કરતા કહ્યું કે, 'તારા જેવીને અમે ઘરકામ કરવા પણ નહીં રાખીએ.' અને 'અમારા પુત્ર સાથેની તું અઢારમી છે, એમ કહી જાતિ વિષયક અપમાનિત કરતી ગાળો આપીને કહ્યું કે, અમારી પોલીસમાં ખૂબ મોટી મોટી ઓળખાણ છે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમારું કોઈ બગાડી નહીં શકે.'
આખરે પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ
આ અંગે યુવતીએ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, જય સોની ફરાર થઈ ગયો હતો. તેણે કાયદેસરની રાહત મેળવવા માટે પ્રથમ નવસારી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી.
આખરે, હાઈકોર્ટમાં પણ જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડતા બુધવારે જય સોનીએ નવસારી એસ.સી., એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. હરેશ યાંદુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.