નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ વતનમાંથી ભાગી છૂટેલા પિતાને પોલીસે અમદાવાદથી દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો છે.
આફ્રિકાથી પરત ફરેલો પિતા જ બન્યો હેવાન!
મળતી માહિતી અનુસાર, આરોપી પિતા અગાઉ દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો અને ત્યાં દરજી કામ કરતો હતો. વર્ષ 2024માં તે પોતાના વતન પરત ફર્યો હતો. વતન આવ્યા બાદ આ નરાધમ પિતા અવારનવાર પોતાની જ સગીર દીકરીની છેડતી કરતો રહેતો હતો. આ દરમિયાન ગત નવમી, 10મી અને 11મી મે, 2026ના રોજ જ્યારે સગીરાની માતા નોકરી પર જતી હતી, ત્યારે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આ નરાધમ પિતા દીકરીને રૂમમાં ખેંચી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે સગીરાને બળજબરીપૂર્વક ગર્ભનિરોધક ગોળીઓ પીવડાવી દીધી અને જો આ અંગે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કેવી રીતે પાપનો ઘડો ફૂટ્યો?
પિતાના ડર અને ધમકીના કારણે પીડિતા આ વાત પોતાની માતાને કહી શકી ન હતી. પરંતુ અસહ્ય પીડા અને માનસિક આઘાત વચ્ચે તેણે પોતાની એક સહેલીને આ આપવીતી વર્ણવી હતી. પીડિતાની સહેલીએ તાત્કાલિક આ બાબતે પોતાની માતાને જાણ કરી અને કહ્યું કે, 'તમારી દીકરી સાથે ખૂબ ખોટું થયું છે, તમારે તેને પૂછવું જોઈએ.' ત્યારબાદ ઘટનાના આશરે 15 દિવસ બાદ માતા પોતાની દીકરીને એક સંબંધીના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં પ્રેમથી સમજાવીને પૂછતાં, દીકરીએ રડતાં-રડતાં પોતાના સગા બાપે ગુજારેલા અત્યાચારની કાળી વાર્તા કહી સંભળાવી હતી.
ગણદેવી પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો
પતિ અને દીકરીના બાપની આ કરતૂત જાણીને ચોંકી ઉઠેલી માતાએ તાત્કાલિક ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તુરંત એક્શન લઈને નરાધમ પિતા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો. જોકે, ગણદેવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભાગી છૂટેલા આરોપીને અમદાવાદથી દબોચી લીધો હતો. ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીની તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.









