નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની રમઝટ, વલસાડમાં અઢી ઇંચ વરસાદ; ખેલૈયાના ધબકારા વધ્યા
Gujarat Weather : ગુજરાતમાંથી ધીમે-ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે નવરાત્રિના આગમન પહેલા જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ વરસાદે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.
વલસાડમાં અઢી ઇંચ, તાપી અને સુરતમાં પણ ધોધમાર વરસાદ
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ખેલૈયાઓ અને આયોજકોના હાર્ટ બિટ વધ્યા
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ અણધાર્યા વરસાદે ખેલૈયાઓ અને ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગરબા ગ્રાઉન્ડ અને ડેકોરેશનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડવાની પૂરી શક્યતા છે.
હવામાન વિભાગે જાહેર કર્યુ યલો ઍલર્ટ, બાગાયતી પાકને નુકસાનની ભીતિ
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.