Get The App

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ 1 - image


- નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત, શુભ મુહૂર્તમાં ઠેરઠેર ઘટસ્થાપન થશે

- નવરાત્રિ પૂર્વે બંને જિલ્લામાં છૂટોછવાયો વરસાદ

અમદાવાદ : આજથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે. ત્યારે નવરાત્રિ પૂર્વે આણંદ અને ખેડા જિલ્લામાં છેલ્લા ર દિવસથી મેઘરાજાની રાસ-ગરબાની પ્રેક્ટિસ જોવા મળી છે જેના કારણે આજથી શરૂ થતી નવરાત્રિ ઉપર વરસાદનું સંકટ મંડરાતાં આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. કેટલાક નવરાત્રિ સ્થળોએ ગત રાત્રે વરસેલા વરસાદના કારણે પાણી ભરાયા હતા. છતાં નવરાત્રિના આયોજકો નવરાત્રિ પર્વને ધામધૂમથી ઉજવવા સજ્જ બન્યા છે. આજે શુભ મૂહર્તમાં ઘટસ્થાપન પછી રાત્રિથી સળંગ ૯ દિવસ રાસ-ગરબાની રમઝટ જામશે.

નવરાત્રિ પર્વ નજીક આવતાં બજારોમાં વિવિધ ટ્રેડીશનલ ચણિયાચોળી સહિત કૂર્તા-ધોતી વગેરે સામગ્રીનો ઢગ ખડકાઈ ગયો છે. હવામાન શાસ્ત્રીએ નવરાત્રિ દરમ્યાન વરસાદની આગાહી કરી હતી. તે મુજબ છેલ્લા ર દિવસથી વરસાદની હાજરીથી ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. આણંદ અને ખેડા જિલ્લાના આણંદ અને નડિયાદ શહેર સહિત તાલુકાઓમાં અનેક સ્થળે ભવ્ય નવરાત્રિના આયોજન થયા છે. ગત રોજ કેટલાક તાલુકાઓમાં ગાજવિજ સાથે વરસાદ વરસતાં નવરાત્રિ સ્થળોએ પાણી ભરાયા હતા. પરંતુ સવારમાં ઓસરી ગયાં છે. આજથી જગત જનની ર્માં અંબાના નવરાત્રિ પર્વનો આસ્થા-ઉમંગ સાથે પ્રારંભ થવાનો છે. ત્યારે આગામી પ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા- ઉચાટમાં વધારો જોવા મળ્યો છે. 

નવી આગાહીથી ખેલૈયાઓમાં ચિંતા

હવામાન વિભાગની આગાહીના કારણે ખેલૈયાઓ ચિંતિત છે. નવરાત્રિમાં તા.ર૭ સપ્ટેમ્બરથી પ ઓક્ટોબર દરમ્યાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૪ દિવસ ગાજવિજ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી પણ આગાહીથી છેલ્લા એક મહિનાથી નવરાત્રિના આયોજનની તૈયારીઓ કરતા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.

ખેડા જિલ્લામાં મહિલા પોલીસ ખેલૈયાના વેશમાં નજર રાખશે

નડિયાદઃ ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, પશ્ચિમ તેમજ નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં ૯૨ શેરી તેમજ પ્રોફેશનલ ગરબા યોજાનાર છે. ત્યારે દશેરા સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા ગરબાના સ્થળો પર, ગરબાની બહાર તથા જાહેર રસ્તાઓ, કેનાલો, અંતરીયાલ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા ૧૮૦ પોલીસ કર્મચારીઓ તેમજ ૩૦૦ હોમગાર્ડ તેમજ જી.આર.ડી. જવાનો ફરજ પર તૈનાત રહેશે. સી-ટીમની મહિલા પોલીસ ખેલૈયાના વેશમાં ગરબામાં તેમજ ગરબાની બહાર ખાનગી ડ્રેસમાં ચાપતી નજર રાખશે.  

Tags :