વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે
Navratri 2025: માતાજીના આરાધનાના પર્વ નવરાત્રીમાં યોજાતા કોમર્શીયલ ગરબાના પાસાની કિંમત દર વર્ષે વધતી હોવાના કારણે ખેલૈયાઓના ખર્ચમાં પણ ધરખમ વધારો નોંધાય છે. આ વર્ષે વડોદરા શહેરમાં 26 મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખલૈયાઓ માટેના પાસની કિંમત 1500થી 5,000 સુધીની હોવાથી ખલૈયાઓ પાસ પાછળ જ 40 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે, તેઓ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પોલીસ માટે પણ એક ચેલેન્જ
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં આ વર્ષે મોટા ગરબા ઉપરાંત મધ્યમ અને શેરી ગરબાના પણ અનેક આયોજનો થયા હોવાના કારણે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ રાત્રે ટ્રાફિકજામની સ્થિતિ ન જળવાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનું કામ પોલીસ માટે પણ એક ચેલેન્જર બની રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં આ વર્ષે પોલીસ કમિશનર કચેરીમાં 746 ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે. જેમાં 26 મોટા ગરબા આયોજકોએ અને મધ્યમ કહી શકાય તેવા 155 ગરબાના આયોજકોએ મંજૂરી માગી છે. જ્યારે 555 નાના ગરબા પણ યોજાવાના છે અને તે માટે પણ મંજૂરી માંગવામાં આવી છે. નાના ગરબા એટલે પોળ, સોસાયટીમાં યોજાતા ગરબા છે અને તેમાં સરેરાશ 500થી 1000 લોકો સામેલ થતાં હોય છે.
ગરબા જોવા જતા લોકો 10 કરોડથી વધુ રૂપિયા ટિકિટ પાછળ ખર્ચશે
વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ધરાવે છે અને તેના કારણે તેને જોવા માટે નવરાત્રીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરમાંથી તેમજ વિદેશમાંથી પણ આવે છે. આ વર્ષે સમગ્ર શહેરમાં નાના-મોટા 746 ગરબાઓ યોજવાના હોવાથી તેમજ રોજ રાત્રે 10 લાખ લોકોની હાજરી રહેશે. જે સંખ્યા વડોદરાની કુલ સંખ્યાની 50 ટકા જેટલી થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રમાણે મોટા ગરબામાં પણ શહેરના જે 5થી 6 જાણીતા ગરબાઓ છે, તેમાં અંદાજે 25,000થી લઈને 30,000 ખલૈયાઓ ગરબે ઘુમશે. જ્યારે અન્ય તમામ ગરબાઓમાં પણ હજારોની સંખ્યામાં ખલૈયાઓ પાસની ખરીદી કરી ગરબે ઘુમવાનો આનંદ માણશે.જ્યારે ગરબા જોવા માટે જતા લોકો નવ દિવસમાં 10 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચશે તેમ મનાઇ રહ્યું છે.
નવરાત્રીમાં 4 હજારથી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે
નવરાત્રિના તહેવારમાં રાતના સમયે લાખોની સંખ્યામાં લોકો ગરબા રમવા અને જોવા માટે જતા હોવાના કારણે શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પોલીસ માટે એક મોચી ચેલેન્જ હોય છે. એટલે આ વર્ષે ચાર હજારથી વધુ હોમગાર્ડ અને પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. નવરાત્રિમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવે છે અને તમામ હિલચાલ પર નજર રખાય છે.
આ પણ વાંચો: નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત
સુરક્ષા સબંધી સુચનાનું પાલન કરવા આદેશ
ગરબા ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં લોકો જતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સુરક્ષા સબંધી કડક સુચનાઓ આપવામાં આવી છે. જેમાં તમામ ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ, ઇમરજન્સી એક્ઝીટ પોઇન્ટ, યોગ્ય બેઠક વ્યવસ્થા, પાર્કિંગ માટેની પુરતી વ્યવસ્થા કરવી, ગરબા ગ્રાઉન્ડ તેમજ આસપાસમાં પરતી લાઇટીંગની વ્યવસ્થા કરવાનું અયોજકોને જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવા, વીડિયોગ્રાફી કરવી, આયોજકો દ્વારા ચૂસ્ત સિક્યુરીટી વ્યવસ્થા ગોઠવવી, મેડિકલ માટેની વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના તમામ પગલાઓ ભરવાનું જણાવવામાં આવ્યું છે. જે આયોજકો નિયમનું પાલન નહી કરે તેમની સામે જરુર પડયે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.