Gujarat

સ્વસ્તિક કો.ઓ. ક્રેડિટ સોસાયટીના હોદેદારોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ

By GS TEAM
10 Jul 20252 mins read
સ્વસ્તિક કો.ઓ. ક્રેડિટ સોસાયટીના હોદેદારોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ

અમદાવાદ,ગુરૂવાર

સરખેજમાં આવેલી સ્વસ્તિક કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ૧૨ જેટલા હોદેદારો અને અન્ય સંચાલકોએ મણિનગરમાં રહેતા રોકાણકારો પાસેથી ૧.૪૪ કરોડ જેટલી રકમ રોકાણ પેટે મેળવ્યા બાદ નિયત મુદ્દત બાદ પણ પરત નહી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.  પ્રાથમિક તપાસમાં ક્રેડિટ સોસાયટી દ્વારા અન્ય રોકાણકારો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જે અંગે પોલીસે ઓડિટ રિપોર્ટ સહિતના પુરાવા અંગે તપાસ શરૂ કરી છે.

શહેરના મણિનગર કૃષ્ણબાગમાં આવેલા કદમ ફ્લેટમાં રહેતા  લીલાવતીબેન પટેલ અને તેમના સગાઓને અગાઉ નવરંગપુરા રત્નદીપ કોમ્પ્લેક્સ જુની હાઇકોર્ટ પાસે આવેલી સ્વસ્તિક ક્રેડિટ કો. ઓ. સોસાયટીના હોદેદારોએ રોકાણની સામે વાર્ષિક ૧૫ ટકા વ્યાજની ખાતરી આપતા તેમણે વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૯ સુધી ૧.૪૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે રકમના રોકાણની મુદ્દત પૂર્ણ થયા બાદ પરત કરવામાં આવી નહોતી. આ અંગે લીલાવતીબેન અને તેમના સગાઓએ ક્રેડિટ સોસાયટીમાં રૂબરૂ જઇને તપાસ કરી ત્યારે નાણાં ચુકવવામાં આવતા નહોતા અને હોદેદારો દ્વારા જણાવવામાં આવતુ હતું કે સોસાયટીએ આપેલા ધિરાણના નાણાં પરત આવતા ન હોવાથી તે રોકાણકારોને નાણાં ચુકવી શકતા નથી. આમ, સતત અલગ અલગ કારણ આપવામાં આવતા હતા. 

 બીજી તરફ થોડા સમય પહેલા ક્રેડિટ સોસાયટીની ઓફિસને સરખેજ ખાતે ખસેડવામાં આવી હતી. તે સ્થળે પણ લીલીવતીબેન સહિતના રોકાણકારોએ સંપર્ક કર્યો હતો. પરંતુ, કોઇ હકારાત્મક પ્રતિસાદ ન મળતા છેવટે આ અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.  

ક્યા ક્યા હોદેદારો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી?

૧. ૅૅૅજગદીશભાઇ સુરતી

૨. મીનાક્ષી શાહ

૩. શકરાભાઇ પટેલ

૪. અરવિંદભાઇ સ્ટેમ્પવાળા

૫. શ્યામલભાઇ શાહ

૬. ગીરીશભાઇ શાહ

૭. રોશનીબેન પટેલ

૮. ગોવિંદભાઇ પટેલ

૯. સંધ્યાબેન દવે

૧૦. સુરેશભાઇ મહેતા

૧૧. ડાહ્યાભાઇ નાગર

૧૨. કિરીટભાઇ શાહ