સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ
અમદાવાદ અને પાટણમાં રહેતા વ્યક્તિઓએ ડબ્બા ટ્રેડીંગનો કારોબાર શરૃ કર્યો હતો
અમદાવાદ અને સિદ્ધપુરમાં રહેતા બે શખ્સોએ હેલ્થ કેર ઓફિસમાં ડબ્બા ટ્રેડીંગ શરૃ કર્યું હતુંઃ કરોડોના હિસાબ મળ્યા
અમદાવાદ,શનિવાર
સી જી રોડ પર આવેલા આસમાન કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડો પાડીને ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ અને પાટણમાં રહેતા વ્યક્તિઓએ ડબ્બા ટ્રેડીંગનો કારોબાર શરૃ કર્યો હતો અને તેમને આંગડીયા દ્વારા નાણાંનો હિસાબ મોકલવામાં આવતો હતો.
નવરંગપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે સી જી રોડ પર આવેલા ગણેશ પ્લાઝા પાસે આસમાન કોમ્પ્લેક્સમાં ફોર-૪૦ હેલ્થ કેર પ્રા.લીમીટેડ નામની ઓફિસમાં શંકાસ્પદ એક્સચેંજથી ડબ્બા ટ્રેડીંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા ઓફિસમાં વ્રજ શાહ (રહે.યશ નિર્માણ ફ્લેટસ,વસંતકુંજ સોસાયટી, પાલડી) અને સૌમીલ શાહ (રહે. ચિંતામણી સોસાયટી, રામનગર, સાબરમતી)ને ઝડપીને તપાસ કરતા તેમના લેપટોપમાં તેમજ મોબાઇલ ફોનમાં ગેરકાયદે એક્સચેંજની લીંક અને સાઇટ મળી આવી હતી. બંનેની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડબ્બા ટ્રેડીંગનો કારોબાર મિલાપ મોદી (રહે. નિમેશ પાર્ક, ગુલાબ ટાવર પાસે, થલતેજ) અને નૂરમહંમદ આબલિયાસણા( રહે.હુસૈનપુરા, સિદ્ધપુર) દ્વારા ડબ્બા ટ્રેડીંગ શરૃ કરાયું હતું . વ્રજ અને સૌમીલને મિલાપે નોકરી રાખ્યા હતા અને તે આંગડીયા દ્વારા નાણાંકીય વ્યવહાર કરતો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.