નસવાડીમાં તલાટી અને TDO સામસામે: તલાટી પ્રમુખની બદલીથી વિવાદ, લાંચના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naswadi Talati Vs TDO: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલી થતાં જ વહીવટી તંત્રમાં મોટો ગરમાવો આવી ગયો છે. બદલીના આ આદેશ બાદ તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સામસામે આવી ગયા છે. તલાટીએ TDO પર ભ્રષ્ટાચાર અને ટકાવારી માંગવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે સામી પક્ષે TDOએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તલાટીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
તલાટીનો આક્ષેપ: "ટકાવારી ન આપતા સિંગલ ઑર્ડરથી બદલી કરાઈ"
કેવડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને તલાટી મંડળના પ્રમુખ નિશિત પંચાલે TDO પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું છે કે, નસવાડી TDO દરેક ગ્રાન્ટ અને કામ પેટે ટકાવારી માંગે છે. તેમણે આક્ષેપ કર્યો કે, "જ્યારે પણ તલાટીઓની મિટિંગ હોય, ત્યારે TDO દ્વારા એક-એક કરીને તલાટીઓને ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને કમિશનની માંગણી કરવામાં આવે છે."
નિશિત પંચાલે વધુમાં ઉમેર્યું કે, હાલમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આવીને પડી હોવા છતાં, TDO ટકાવારી લેવાની લાલચે આ ગ્રાન્ટ ફાળવતા નથી. મારી બદલી ફક્ત એક સિંગલ ઑર્ડરથી કરી દેવા પાછળનું મુખ્ય કારણ પણ આ પૈસાની લેતીદેતી જ છે.
TDOનો વળતો પ્રહાર: "CM સુધી પહોંચી ફરિયાદો, આક્ષેપો પાયાવિહોણા"
બીજી તરફ, નસવાડીના તાલુકા વિકાસ અધિકારી (TDO) એચ. આર. તલાટીએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. TDOના જણાવ્યા અનુસાર, સંબંધિત તલાટી સામે અગાઉ અનેક ફરિયાદો મળી હતી અને આ ફરિયાદો છેક મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચી હતી.
TDOએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ બદલી તાલુકા કક્ષાએથી નહીં, પરંતુ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી છે. તલાટીની નસવાડી તાલુકામાંથી અન્યત્ર તાલુકા ફેર બદલી થવાના કારણે જ તેઓ હવે આ પ્રકારે પાયાવિહોણા અને મનઘડત આક્ષેપો કરી રહ્યા છે.
વહીવટી આલમમાં ચર્ચાનો વિષય
એક તરફ તલાટી મંડળના પ્રમુખ દ્વારા ઓન-કેમેરા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ વહીવટી વડાએ તેને બદલીના કારણે ઊભો થયેલો આક્રોશ ગણાવ્યો છે. હાલમાં આ મામલે બંને પક્ષોના નિવેદનો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આગામી સમયમાં જિલ્લા વહીવટી તંત્ર આ વિવાદ અંગે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.








