Gujarat

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન

By GS TEAM
27 May 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી ખેડૂતોની ચિંતા વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે. નસવાડીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી મકાઈની ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી ખેડૂતોની ચિંતા વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે. નસવાડીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી મકાઈની ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવી છે. મકાઈ ભરવા માટેના જરૂરી બારદાન (કોથળા) ખલાસ થઈ જતાં પુરવઠા વિભાગે ગોડાઉનને તાળાં મારી દીધાં છે, જેના કારણે પોતાની જણસ વેચવા આવેલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

90 ખેડૂતોનું રજિસ્ટ્રેશન અને માત્ર 9ની ખરીદી

મકાઈ વેચવા માટે કલાકોથી લાઈનમાં ઊભેલા રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્રની ધીમી કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં માત્ર 9 ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવી છે, જ્યારે 90 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલું છે. પુરવઠા વિભાગ રોજ માંડ બે ખેડૂતોની મકાઈ ખરીદે છે. જો આ જ ગતિએ કામ ચાલશે, તો સરકાર દ્વારા નક્કી કરાયેલો 40 દિવસનો ખરીદીનો સમયગાળો જ પૂરો થઈ જશે અને મોટાભાગના ખેડૂતો વંચિત રહી જશે.


આ પણ વાંચો : 'SIR પ્રક્રિયા હાથ ધરવી ચૂંટણી પંચને અધિકાર...', સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવીને આપ્યો ચુકાદો

ચોમાસાની ખેતી અને બાળકોની સ્કૂલ ફી: નાણાંની કટોકટી વચ્ચે સરકાર સામે રોષ

ખેડૂતો અત્યારે બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે. એક તરફ એકાદ અઠવાડિયામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ-કોલેજની ફી ભરવા માટે ખેડૂતોને તાત્કાલિક નાણાંની જરૂરિયાત છે. બીજી તરફ, ચોમાસું નજીક હોવાથી આગામી સીઝનની ખેતીના બિયારણ અને ખાતર ખરીદવા માટે પણ પૈસાની ભારે તંગી વર્તાઈ રહી છે. આવા કટોકટીના સમયે જ અન્ન-પુરવઠા વિભાગ અને સરકારે મકાઈની ખરીદી બંધ કરી દેતાં જગતના તાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટૂંક સમયમાં ખરીદી શરૂ થશે: ગોડાઉન મેનેજર

આ સમગ્ર વિવાદ અંગે નસવાડી અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજરે ખેડૂતોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે, "મકાઈ ભરવા માટેના બારદાન ખૂટી જવાના કારણે હાલ પૂરતી પ્રક્રિયા અટકાવવી પડી છે. જોકે, ટૂંક જ સમયમાં નવા બારદાનનો જથ્થો આવી જશે અને તાત્કાલિક ધોરણે મકાઈની ખરીદી ફરી સુચારૂ રૂપે શરૂ કરી દેવામાં આવશે. જોકે, ખેડૂત આગેવાન મનહરસિંહ ચૌહાણ અને અન્ય સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે માત્ર વચનો આપવાને બદલે સરકાર યુદ્ધના ધોરણે બારદાનની વ્યવસ્થા કરે, જેથી ખેડૂતોને તેમની મહેનતનું વળતર સમયસર મળી શકે.