Gujarat

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
ઉનાળાની શરૂઆત સાથે જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાણી માટે પોકાર શરૂ થયો છે. તાલુકાના 100થી વધુ ગામોમાં કોતરો અને નદીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમો જાળવણીના અભાવે ભાંગીને ભુક્કા થઈ ગયા છે. છેલ્લા એક દાયકાથી રિપેરિંગની કામગીરી ન થતાં વરસાદી પાણી સંગ્રહવાને બદલે વહી જાય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર

Naswadi Water Crisis: ઉનાળાની શરૂઆત સાથે જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાણી માટે પોકાર શરૂ થયો છે. તાલુકાના 100થી વધુ ગામોમાં કોતરો અને નદીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમો જાળવણીના અભાવે ભાંગીને ભુક્કા થઈ ગયા છે. છેલ્લા એક દાયકાથી રિપેરિંગની કામગીરી ન થતાં વરસાદી પાણી સંગ્રહવાને બદલે વહી જાય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા છે.

નદીઓ અને કોતરોમાં પાણી સંગ્રહની ક્ષમતા ઘટી

નસવાડી તાલુકામાંથી અશ્વિન અને મેણ જેવી બે મોટી નદીઓ આશરે 70 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થાય છે. આ નદીઓ અને તેમાં ભળતા કોતરો પરના ચેકડેમો છેલ્લા 10 વર્ષથી રિપેરિંગની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા નવી કોઈ યોજના અમલમાં ન મૂકાતા જૂના ચેકડેમો જર્જરિત થઈ ગયા છે. ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પર આવેલો 100 મીટર લાંબો ચેકડેમ માટીથી ભરાઈ ગયો છે. પરિણામે, 10 કિલોમીટરના વિસ્તારમાં જે પાણી રોકાવું જોઈએ તે વહી જાય છે અને આસપાસના ગામો તરસ્યા રહે છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપાયા

સિંચાઈ વિભાગ સામે ઉઠ્યા સવાલો

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ જળ સંકટ ઘેરો બની રહ્યો છે અને બીજી તરફ તંત્ર સુષુપ્ત અવસ્થામાં છે. સિંચાઈ વિભાગના ઇજનેરોને સરકાર લાખો રૂપિયાનો પગાર ચૂકવે છે, પરંતુ નસવાડી તાલુકામાં નવા ચેકડેમો બનાવવામાં કે જૂના રિપેર કરવામાં કોઈ કામગીરી દેખાતી નથી. જિલ્લા પંચાયત અને તાલુકા મથકે બેસતા ઇજનેરો પાસે કોઈ નક્કર કામગીરી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ મામલે યોગ્ય સર્વે કરવામાં આવે તો સરકારી નાણાંનો વ્યય થતો હોવાનું સ્પષ્ટ જણાય છે.

છેવાડાના ગામોની માંગ

જળ સ્તર સતત ઊંડા જતા પશુ-પક્ષીઓ અને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામીણ જનતાની માંગ છે કે ચોમાસા પહેલા તમામ ચેકડેમોનું રિપેરિંગ અને માટી કાઢવાની કામગીરી કરવામાં આવે જેથી આગામી વર્ષે પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે.