મહિલાને બંદૂક બતાવીને બેંકના કોરા ચેક પર સહી કરાવી લેવાયાની ફરિયાદ
નાસિકમાં રહેતી મહિલાના પોલીસ પર આરોપી સાથે મિલીભગતના આક્ષેપ
આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા બાદ પોલીસની ગાડીમાંથી અન્ય કારમાં બેસાડીને અપહરણ કરી અશ્લિલ વર્તન કરાયો ફરિયાદમાં ઉલ્લેખ
અમદાવાદ,રવિવાર
નાસિકમાં રહેતી એક મહિલા અમદાવાદમાં રહેતા બે શખ્સો ઉપરાંત, આનંદનગર પોલીસ પર આક્ષેપ કરતી ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે કે જેમાં બે શખ્સોએ પોલીસ સાથે મળીને મહિલાને ધમકી આપીને તેની પાસે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. એટલુ જ બે આરોપીઓએ મહિલાની દીકરી સાથે પણ અશ્લિલ હરકત કરી હતી. નાસિકથી ઝીરો નંબરથી દાખલ થયેલી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
નાસિકમાં રહેતી સુનિતા (નામ બદલેલ છે) નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે બેંકમાં કામ કરતા હતા ત્યારે તેમનો પરિચય દર્શીત શાહ સાથે થયો હતો. થોડા મહિના પહેલા સુનિતા તેના પારિવારિક ભાઇ અને પુત્રી સાથે સારંગપુર દર્શન કરવા માટે આવ્યા હતા. આ સમયે તેમણે અમદાવાદમાં રહેતા દર્શીત શાહ સાથે વાત કરતા તે ગત ૩ માર્ચના રોજ નાસિક આવવા માટે પરત નીકળ્યા ત્યારે એસ જી હાઇવે દર્શીત શાહને મળ્યા હતા. આ સમયે ૧૦ થી ૧૫ લોકો આવ્યા હતા અને તેમણે દર્શીત શાહને ધમકી આપી હતી. આ ટોળામાં દર્શન મહેતા નામનો વ્યક્તિ પણ હાજર હતો.
થોડીવાર બાદ દર્શન મહેતાએ પોલીસને ફોન કરીને બોલાવતા પોલીસની ગાડીમાં આવેલા સ્ટાફે સુનિતા અને તેમની પુત્રીને ગાડીમાં બેસાડી હતી અને આનંદનગર પોલીસ ચોકી પર લાવ્યા હતા. જ્યારે દર્શન મહેતા સુનિતાના ભાઇની કારમાં પોલીસ ચોકી આવ્યો હતો.જ્યાં સુનિતા સાથે મહિલા પોલીસ કર્મચારીએ ગેરવર્તન કર્યું હતું. થોડીવાર બાદ સુનિતા અને તેની પુત્રીને પોલીસની ગાડીમાં બેસાડીને બહાર લાવીને તેમની ગાડીમાં બેસાડી દીધા હતા. આ સમયે પોતાની ઓળખ એક્સ પોલીસ તરીકે આપનાર વ્યક્તિ કાર ચલાવતો હતો અને કારને એક જગ્યા પર ઉભી રાખીને સુનિતાની દીકરી સાથે વાંધાજનક હરકત કરી હતી. અને એક બંગ્લામાં લઇ જઇને દર્શન મહેતા બંદૂક બતાવીને સુનિતા પાસે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. ત્યારબાદ પણ દર્શન મહેતા ફોન કરીને તેને સતત ધમકી આપતો હતો. છેવટે સુનિતાએ નાસિકમાં ફરિયાદ નોંધાવતા ઝીરો નંબરથી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં મહિલાએ આરોપીમાં દર્શીત શાહ અને દર્શન મહેતાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે આનંદનગર પોલીસ પર પણ આક્ષેપ કર્યા છે. જે અનુસંધાનમાં તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.