Gujarat

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. નોબલનગર વિસ્તારના અનસુયા નગર, બીડી કામદારનગર, અને વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ

Sewage Problem in Naroda: અમદાવાદના નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. નોબલનગર વિસ્તારના અનસુયા નગર, બીડી કામદારનગર, અને વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત કોર્પોરેટરો અને ઉત્તર ઝોનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ધક્કા ખવડાવે છે. ગટરો ઉભરાય છે, ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને અમારા છોકરાઓ બીમાર પડી જાય છે. નવી લાઇન નાખવાની માંગ પણ લાંબા સમયથી પડતર છે.

ગુસ્સે ભરાયેલા લોકોએ ધારાસભ્યની ઓફિસ પર વિરોધ પ્રદર્શન કરીને ચીમકી આપી હતી કે, 'જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી.' સ્થિતિ વણસતા ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા તાત્કાલિક નોબલ નગર ખાતે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે મશીનરી બોલાવીને ડ્રેનેજની સફાઈની કામગીરી શરૂ કરાવી હતી.

જોકે, સ્થાનિકોએ ભાજપના શહેરના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ ગંભીરતાથી નોંધ ન લેવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે પ્રજાને આટલી હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ આક્ષેપ કર્યો હતો કે ડ્રેનેજની સફાઈની કામગીરી ચાલુ કરાવી દીધા છતાં પણ કોંગ્રેસે સ્થાનિકોને સાથે રાખીને રાજકીય વિરોધ ચાલુ રાખ્યો હતો.