Gujarat

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

By GS TEAM
7 May 20261 min read
અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ,ગુરૂવાર

શહેરના કરાઇ નજીક આવેલા આત્રે ઇવાન એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે અમેરિકાના નાગરિકોને કોલ કરીને નાણાં પડાવતી ગેંગને ઝડપીને લીધી હતી. ઝડપાયેલા આરોપીઓએ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવા માટે ફ્લેટ ભાડેથી લીધો હતો. આ અંગે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનની હદમાં કરાઇ  નજીક આવેલા આત્રે ઇવાન નામના એપાર્ટમેન્ટમાં કેટલાંક વ્યક્તિઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી પોલીસ અધિકારીઓને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે મનીષ અંસાની (રહે. આંબાવાડી, સરદારનગર), જયેશ મકવાણા (રહે. આંબાવાડી, સરદારનગર), કૃણાલ ચાવલા (રહે. પ્રિમિયમ સત્કાર, સરદારનગર), દિનેશ કલ્યાની (રહે. સ્વીમના પાર્ક, નોબલનગર) અને અન્ય એક સગીરને ઝડપી લીધો હતો. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ગેરકાયદે કોલ સેન્ટરમાંથી અમેરિકામાં રહેતા નાગરિકોને એડવાન્સ અમેરિકા નામની કંપની અધિકારીઓના નામે કોલ કરીને લોન ઓફર કરતા હતા અને લોન જમા કરાવતા પહેલા પ્રોસેસીંગ ફી ના નામે ગીફ્ટ કાર્ડ મેળવીને છેતરપિંડી કરતા હતા. 

અમેરિકાના નાગરિકો પાસેથી  મેળવેલા ગીફ્ટ કાર્ડને કૃણાલ ચાવલા મયુર મંગલાણી, સુજલ મંગલાણી અને આશીષ નામના વ્યક્તિને મોકલીને ભારતીય નાણાંમાં રૂપાતંરિત કરીને છેતરપિંડી આચરતા હતા. પોલીસને આરોપીઓના લેપટોપ અને મોબાઇલમાંથી અમેરિકાના  લોકોના મોબાઇલ નંબર,  ઇ-મેઇલ આઇડી મળી આવ્યા હતા. જે ગુગલ વોઇસ એપ્લીકેશનનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતા હતા. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.