Gujarat

તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

By GS TEAM
19 Jun 20252 mins read
તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

અમદાવાદ,ગુરુવાર

મુંબઇની મહિલાને અમદાવાદના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા લગ્ન કર્યા બાદ પાંચ મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ નોકરીથી ઘરે આવે તે સમયે તું કોઇની સાથે રખડવા જાય છે તેમજ પગારના પૈસા ઘરખર્ચ માટે માગીને મહિલાને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને મહિલાને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં નોકરી કરતી મહિલા પાસે પગારના પૈસામાંથી ઘરખર્ચ માટે  માંગણી કરીને સાસરિયા દ્વારા માનસિક, શારિરીક ત્રાસ આપતા ઃ બે મહિનાથી મહિલાનો પિયરમાં આશરો

મુંબઇમાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ વર્ષ પહેલા મહિલા મુંબઇ ખાતે રહેતી હતી ત્યારે મહિલાના પતિ અને મહિલાનો ભાઇ મિત્ર હતા જ્યારે મહિલા તેના ભાઇ સાથે ફરવા જતી ત્યારે આરોપી પતિ પણ સાથે જતો હોવાથી બન્ને એક બીજાના પરિચયમાં આવ્યા હતા અને સમય જતાં પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે લગ્ન માટે પરિવારના સભ્યો નારાજ હોવાથી મહિલા પ્રેમી સાથે અમદાવાદ રહેવા આવી ગઇ હતી અને બન્નેએ રજિસ્ટ્રર મેરેજ કર્યા હતા.

ત્યારબાદ મહિલા નરોડા ખાતે પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી અને પતિ પત્ની બન્ને નોકરી કરતા હતા જો કે મહિલા નોકરી જતી ત્યારે સાસરિયા શંકા વહેમ રાખીને તું કોઈની સાથે રખડવા જાય છે કહીને તકરાર કરતા પતિ મારઝૂડ કરતો હતો. એટલું જ નહી પગારની પૈસા ઘરખર્ચ માટે માંગણી કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા બે મહિના પહેલા આ મુદ્દે તકરાર થતાં પતિ મહિલાને મુંબઇ મૂકીને આવ્યા હતા. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.