Get The App

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો 1 - image


Ahmedabad Factory Fire: અમદાવાદના નરોડામાં આવેલ મુક્તિધામ નજીકના અમરનાથ એસ્ટેટમાં ગુરૂવારે (પાંચમી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક અગરબત્તીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રે અંદાજે 11.30 વાગ્યાની આસપાસ લાગેલી આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે આખું કારખાનું તેની ઝપેટમાં આવી ગયું હતું. અગરબત્તીનો જથ્થો જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. સદનસીબે, ફેક્ટરી સાંજથી જ બંધ હોવાથી અંદર કોઈ કારીગર હાજર નહોતા, જેના કારણે એક મોટી જાનહાની ટળી છે.

ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી 

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કુલ નવ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓએ સતત ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યાં હતા. કારખાનામાં રહેલો માલસામાન ભારે માત્રામાં હોવાને કારણે આગ ઓલવવામાં ફાયરના જવાનોને ઘણી મુશ્કેલી પડી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકી પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો


અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો 2 - image

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

આ કારખાનાની આસપાસ 30થી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. લોકો ભયના માર્યા પોતપોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, આટલી મોટી હોનારત સર્જાઈ હોવા છતાં અત્યાર સુધી કારખાનાના માલિકનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી, જે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.