માનસ મર્મજ્ઞા પૂ. મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબા નિર્વાણ પામ્યાં
- તલગાજરડા ખાતે સંખ્યાબંધ લોકો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ : 'હરે રામ હરે રામ રામ રામ હરે હરે'નાં સંકિર્તન સાથે નિવાસસ્થાન 'કૈલાસ' પરિસરમાં સમાધિ અપાઇ
રાજકોટ, : દુનિયાભરમાંમાનસ મર્મજ્ઞા તરીકે જાણીતા કથાકાર એવા પૂ. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું 79 વર્ષની ઉંમરે દેહાવસાન થયું હતું. સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાશવાસી નર્મદાબાને આજે સવારે 9 કલાકે સમાધિ આપવામાં આવી હતી. સાધુ સમાજમાં મૃત્યુને મંગલ અવસર માનવામાં આવે છે. મૃત્યુના શોકને બદલે ધૂન-ભજન-કિર્તન ગાતા-ગાતા વાજતે-ગાજતે મૃતાત્માને વિદાય આપવામાં આવે છે. પૂ. નર્મદાબાને પણ આજે 'હરે રામ હરે રામ રામ રામ હરે હરે'ના સંકિર્તન સાથે તલગાજરડામાં પૂ. મોરારીબાપુના નિવાસસ્થાન 'કૈલાસ'ના પાવન પરીસરમાં સમાધિ આપવામાં આવી હતી.
પૂ. મોરારીબાપુ સાથે નર્મદાબાના લગ્ન વણોદ ગામે થયા હતા. છેલ્લા થોડા સમયથી પૂ. નર્મદાબાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી છેલ્લા બે દિવસથી અન્ન લેવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓના નિધનના સમાચાર મળતા જ ભાવનગર, મહુવા સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો તલગાજરડા આવી પહોંચ્યા હતા. જ્યાં આજે સવારે પૂ. નર્મદાબાના પાર્થિવ શરીરને સમાધિ આપવામાં આવી ત્યારે લોકસાહિત્યના જાણીતા કલાકારો, કથાકારો, સાહિત્યકારો, ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, કથાપ્રેમી શ્રોતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મોરારીબાપુને પ્રણામ કરીને પોતાની સંવેદના પ્રગટ કરી હતી તેમજ પૂ. નર્મદાબાની સમાધિસ્થ ચેતનાને 'છેલ્લા વેળાના રામ રામ' કર્યા હતા. વૈશ્વિક વ્યાસપીઠના અગણિત શ્રોતાઓએ માતાની ગોદની ખોટ પડી હોવાનો ભાવ અનુભવ્યો હતો.