Get The App

રાજ્યના ચાર જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ, ખેડૂતોમાં ચિંતા છવાઈ

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યના ચાર જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ, ખેડૂતોમાં ચિંતા છવાઈ 1 - image

Sardar Sarovar Narmada Nigam: બહુચરાજી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારિજ, શંખેશ્વર, સમી, પાટણ અને રાધનપુર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત નવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી 31 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. 

ખેડૂતોમાં ભારે નારાજગી

બહુચરાજી અને ચાણસ્મા પંથકમાં શિયાળુ સિઝનમાં ખેડૂતોએ અજમો, તમાકુ, એરંડા, જ્યારે ઉનાળુ બાજરી, ઘાસચારો વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. બહુચરાજી વિસ્તારની અનેક કંપનીઓમાં નર્મદાનું પાણી બારેમાસ આપવામાં આવી રહ્યું છે. જ્યારે જગતના તાતને વધુ એક મહિનો સિંચાઈનું પાણી મેળવવા માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પ્રાણપ્રશ્ન બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન વ્રત ધરીને બેઠા છે. નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદ્દત વધારવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. જ્યારે નર્મદા વિભાગની 31 માર્ચથી પાણી બંધ કરવાની હિલચાલ સામે ખેડૂતજગતમાં ભારે નારાજગી પ્રસરી છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, જાણો કઈ-કઈ ટ્રેનો રદ-ડાઈવર્ટ કરાઈ

માનાવાડા બ્રાન્ચ કેનાલમાં પડતી પેટા બ્રાન્ચ દેવગઢ માઈનોર કેનાલમાં પાણી વહેતું નજરે પડે છે. જેમાં 31મી માર્ચથી આ કેનાલમાં પાણી બંધ કરવાના નિર્ણયથી ઘાસચારો, જુવાર, ઉનાળુ બાજરી તેમજ શિયાળુ સીઝનમાં 2-3 પિયતની જરૂરિયાત હોવાથી જો પાણી નહીં મળે તો આ વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.

સિંચાઈ અર્થે પાણીની મુદ્દત વધારવા વિચારણા કરાશે: નર્મદા વિભાગ

નર્મદા વિભાગ ચાણસ્માના અધિકારીએ જણાવ્યું કે, સરકારની સૂચનાથી 31 માર્ચથી નર્મદા કેનાલનું પાણી બંધ થનાર છે. જો ખેડૂતોની પાણીની માંગ અંગે રજૂઆત મળશે તો સરકારની સૂચના મુજબ પાણીની મુદ્દતમાં વધારો કરવા તંત્ર દ્વારા વિચારણા કરાશે. આ ઉપરાંત પાણી બંધ કર્યા પછી ઉનાળા દરમિયાન નર્મદાની મુખ્ય કેનાલ અને પેટા કેનાલમાં સમારકામ તેમજ સફાઈ કામ કામગીરી હાથ ધરવાની હોય છે. જેથી એજન્સીને કામ કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે પાણી વહેલું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.'

રાજ્યના ચાર જિલ્લામાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ, ખેડૂતોમાં ચિંતા છવાઈ 2 - image