નર્મદા પરિક્રમાનો 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'માં સમાવેશ, યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય યાદીમાં મળી શકે છે સ્થાન
Uttarvahini Parikrama: ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ થઈ હતી. ત્યારે આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી. આ દરમિયાન નર્મદા પરિક્રમાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. યુનેસ્કોની નોડલ એજન્સી સંગીત નાટક અકાદમીએ નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરી છે. આગામી સમયમાં નર્મદા પરિક્રમા યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય યાદીમાં પણ સ્થાન મેળવી શકે છે.
'નર્મદા પરિક્રમા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે'
મધ્ય પ્રદેશ પ્રવાસન અને સંસ્કૃતિના મુખ્ય સચિવ અને પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે, 'રાજ્યના સાંસ્કૃતિક વારસાને વિશ્વ મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોના પરિણામે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થવાથી નર્મદા પરિક્રમા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે.'
અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ, પ્રથાઓ, જ્ઞાન અને અને કુશળતાનો સમાવેશ થાય છે, જે આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલાં હોય છે અને ભવિષ્યની પેઢીઓને સોંપવામાં આવે છે. જ્યારે મૂર્ત વારસામાં સ્મારકો અથવા ભૌતિક કલાકૃતિઓનો સમાવેશ થાય છે, ત્યારે અમૂર્ત સાંસ્કૃતિક વારસો સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. જેમાં મૌખિક પરંપરાઓ, કલાઓ, સામાજિક વિધિઓ, ઉત્સવના કાર્યક્રમો, પ્રકૃતિ વિશેનું જ્ઞાન અને પરંપરાગત હસ્તકલાનો સમાવેશ થાય છે.
પરિક્રમામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુ આવ્યા
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રીએ આઠમી એપ્રિલ, 2025ના રોજ સ્થળ પર જઈને પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી. ત્યારે વર્ષ 2024માં 2.50 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં આવ્યા હતા. જ્યારે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.