Gujarat

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત

By GS TEAM
31 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. ગત મધ્યરાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડાને કારણે એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકીનું કાટમાળ નીચે દટાવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત

Narmada Storm Tragedy: ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. ગત મધ્યરાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડાને કારણે એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકીનું કાટમાળ નીચે દટાવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રાત્રે 2 થી 3 વાગ્યે ત્રાટક્યું વાવાઝોડું 

ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે સમગ્ર રાજ્ય જ્યારે મેઘરાજાની પ્રતિક્ષા કરી રહ્યું છે, ત્યારે હવામાનમાં આવેલા અચાનક પલટાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ગત રોજ મધ્યરાત્રિએ આશરે 2 થી 3 વાગ્યાના સુમારે નર્મદા જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન લાછરસ ગામમાં રહેતો એક પરિવાર જ્યારે રાત્રે નિરાંતે સૂતો હતો, ત્યારે અચાનક ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને કારણે મકાનની બાજુની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલનો આ ભારેખમ કાટમાળ સીધો છત પર પડતાં ઉપરનો આખો સ્લેબ પણ ધરાશાયી થઈને નીચે પડ્યો હતો, જેના કારણે આખો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો.

ગ્રામજનોએ કાટમાળ હટાવ્યો, હોસ્પિટલમાં બાળકી મૃત જાહેર

અચાનક બનેલી આ ઘટનાના ભયાનક અવાજથી આજુબાજુના પડોશીઓ જાગી ગયા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી એક-એક કરીને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ કમનસીબે, 11 વર્ષની માસૂમ બાળકી 'રીંકુ'ને તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં માતા-પિતાનો આબાદ બચાવ થયો છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

આખું ગામ હિબકે ચડ્યું, તંત્ર સામે આક્રોશ

સવાર પડતાં જ આખી શેરીમાં સૌની લાડકી એવી રીંકુનો મૃતદેહ જ્યારે ગામમાં આવ્યો, ત્યારે સમગ્ર લાછરસ ગામ ગમગીન બની ગયું હતું. માતા-પિતાના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનાએ સ્થાનિક તંત્રની પોલ પણ ખોલી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં લાછરસ ગામ બેટમાં ફેરવાઈ જાય છે અને ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે, આવી કમનસીબ ઘટના ફરી ક્યારેય ન બને તે માટે વહીવટી તંત્ર વહેલી તકે જાગે, યોગ્ય પગલાં ભરે અને આ ગરીબ પીડિત પરિવારને વહેલામાં વહેલી તકે સરકારી સહાય પૂરી પાડે.