નર્મદા: 'BJP-AAP નેતાઓની મિલીભગતથી લાખોનો તોડકાંડ', નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ ફોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MP Mansukh Vasava press conference: ભરૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ આજે રવિવારે નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ફરી એકવાર તેમણે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, તેમણે આ વખતે પણ ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વ્યક્તિ કે નેતાનું નામ કે પુરાવો જાહેર કર્યા ન હતા.
'ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય'
નર્મદા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરતાં મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે 'છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની ટીમ એજન્ટો મૂકી આદિવાસી વિસ્તારમાં ફરી વિકાસ કાર્યોમાં નાની-મોટી ક્ષતિ શોધી ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય કરી રહ્યા છે. તેમનું એક જ કામ છે કે સંકલનની બેઠકોમાં નાના નાના કામોમાં તપાસ માંગી સોશિયલ મીડિયામાં વહેતા કરવા. તેના બાદ એજન્સી અને અધિકારી પાસેથી કોઈના કોઈ રીતે તોડ કરે છે.'
'એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો'
વધુમાં તેમણે કહ્યું કે 'લાખો રૂપિયામાં તોડ કરે છે. અમારી પાસે પત્રો પણ આવ્યા છે કે આવા લોકોને રોકવા જોઈએ. વર્ષ બે વર્ષ પહેલા આદિવસી મ્યુઝિયમમાં હત્યાઓ થઈ હતી. એ હત્યાઑના પીડિતોને એજન્સી થકી 25-25 લાખની સહાય મળે તે માટે ભાજપ અને આપના નેતાઓએ સાહિયારો પ્રત્યન કર્યો હતો પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકો અને તેમની સાથેની ટીમે 10 10 લાખનો તોડ કર્યો હતો આ વાત હું ખૂબ ગંભીરતાથી કહું છું. તેમાં બધી જ રાજકીય પાર્ટીના લોકો આવી જાય છે. આપ નેતાઓની ટીમ વિકાસના કામમાં કોઈના કોઈ રીતે રોળા નાખી રહી છે. એક વર્ષ પહેલાં આપના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો હતો'
આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત
'એકતા પરેડમાં પણ ખર્ચ થયો હોય તેની માહિતી માંગી ટકાવારી માગવામાં આવે છે. એક આદિવાસી નેતા જે પોતાને આદિવાસીઑનો મસીહા માને છે તેને 75 લાખ રૂપિયાના માગ્યા હોવાનો પણ આધાર પુરાવા વગરનો મનસુખ વસાવાએ દાવો કર્યો હતો. અને કહ્યું હતું કે મારી પાસે આ બધી વાતો ઘણા સમયથી આવી છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય જો ભ્રષ્ટાચાર કરે તો હું કોઈને છોડતો નથી. આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત છે. એટલે કોઈ બોલતું નથી. આમ આદમીના નેતાઓ વહીવટી તંત્રના અધિકારીઓ અને નેતાઓ કે લોકોને ધમકાવે છે છતાં કોઈ બોલતું નથી કારણ કે બધા મળેલા છે.'
ન કોઈ પુરાવા આપ્યા ન કોઈ નામ
જો તેમની પાસે આ 'તોડકાંડ'ની વાતો લાંબા સમયથી હોય અને પત્રો પણ આવ્યા હોય, તો તેમણે પુરાવા રજૂ કરીને સીધી ફરિયાદ કેમ ન કરી? મનસુખ વસાવા પોતે સ્વીકારે છે કે જિલ્લામાં નેતાઓ (બધા પક્ષના) અને વહીવટી તંત્રની મિલીભગત છે, છતાં તેઓ માત્ર હવામાં આરોપો કરીને બંધ બાજીએ રાજકારણ કેમ રમી રહ્યા છે?
સાંસદ વસાવાએ પ્રેસ કોન્ફરન્સના અંતે ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની વાત કરી હતી, પરંતુ કયા પુરાવા અને કોની સામે રજૂઆત કરશે, તે અંગે તેઓ મૌન રહ્યા હતા. વસાવાએ આક્ષેપો કરીને રાજનીતિ કરી છે કે પછી આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને ડામવા માટે આ રાજનૈતિક ગતકડું છે? આ પ્રશ્ન હાલ નર્મદા સહિત સમગ્ર ગુજરાતના લોકોને થઈ રહ્યો છે, કારણ કે આરોપમાં તથ્ય હોય તો પુરાવા વગરનું રાજકારણ શા માટે?









