Narmada News: રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે ભારે તોફાની બની હતી. વિકાસના કામોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી આડખીલીને મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અધિકારીઓનો રીતસરનો ઉધડો લેતા બેઠકમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો હતો.
“શું તમે આદિવાસી વિરોધી છો?” – મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા વન વિભાગના (DFO) અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે: "ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વિચિત્ર પ્રકારના પ્રાણીઓ છે, જેઓ વિકાસના કામોમાં બહાના કાઢીને અડચણો ઉભી કરે છે." સાંસદે અધિકારીઓને 'ક્રેક મગજના' ગણાવી સવાલ કર્યો હતો કે, "શું તમે લોકો આદિવાસી વિરોધી છો?"ન્યાયની માંગ કરતા તેમણે ઉમેર્યું કે, જંગલ વિસ્તારના રસ્તાઓ અટકાવી દેવાયા છે, તો પછી વિકાસ કઈ રીતે કરવો?

PM મોદીએ ખાતમુહૂર્ત કરેલા 29 કરોડના કામો અટવાયા
સાંસદે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના જે રસ્તાઓ મંજૂર થયા છે, તેનું ઈ-ભૂમિપૂજન સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. છતાં વન વિભાગે આ કામો અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરના સાધનો પણ જપ્ત કરી લીધા છે.

આપ (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સૂર પુરાવ્યો
સાંસદની સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે: નર્મદા અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓને પ્રજાના કામમાં રસ નથી, તેઓ માત્ર ટાઈમપાસ કરે છે.સંકલન સમિતિમાં માત્ર 'થઈ જશે, થઈ જશે' કહીને કોરમ પૂરું કરવામાં આવે છે. વન વિભાગના અધિકારીઓ 'માઈ-બાપ' હોય તેવું વર્તન કરે છે. જો તેમની આદિવાસી વિરોધી માનસિકતા નહીં બદલાય તો અમે તેમની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છીએ. આ બેઠકે સાબિત કરી દીધું છે કે નર્મદા જિલ્લામાં શાસક પક્ષ અને વિપક્ષ બંને વિકાસના મુદ્દે અધિકારીશાહી સામે એકજૂથ થઈ લડવાના મૂડમાં છે.


