મનરેગામાં 2 વર્ષથી નર્મદા જિલ્લામાં એક પણ કામ થયું નથી: સાંસદ મનસુખ વસાવા
MNREGA News: નર્મદા જિલ્લાની દિશા સમિતિમાં મનરેગાના કામો બાબતે સાંસદે કહ્યું કે 2 વર્ષથી જિલ્લામાં એક પણ કામ થયું નથી. જે અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા નથી તેમના ખુલાસા પણ સાંસદ મનસુખ વસાવાએ માંગવા સૂચના આપી છે. મહત્ત્વની બેઠકમાં અધિકારીઓ હાજર રહેતા નથી તે નહિ ચાલે.
નર્મદા જિલ્લામાં દિશા સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં ચાલી રહેલા કામો વિશે સમીક્ષા કરી હતી. જેમાં નવી એન્જિનિયરિંગ કૉલેજ, આદિવાસી બાળકો અને બાળકીઓ માટે બનતી હોસ્ટેલની કામગીરી સારી થવી જોઈએ એવું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: 'મંત્રીથી લઈને કર્મચારી સુધી બધાનું સેટિંગ...', મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાનો ચોંકાવનારો દાવો
સાંસદે કહ્યું કે મનરેગા યોજના કોઈકને કોઈ વિવાદમાં આવાના કારણે નર્મદા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મનરેગાના કોઈ પણ કામ થયા નથી. ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ક્ષતિ હોઈ કે બીજી કોઈ સમસ્યા હોય. ભલે અધિકારીઓ કહેતા હોય કે જિલ્લામાં મનરેગામાં કરોડોના કામો થાય પણ સાંસદે કહ્યું કે 2 વર્ષથી કોઈ કામો થાય જ નથી. નવા ટેન્ડર પાસ થઈ ગયા છે પણ હજુ વર્ક ઑર્ડર આપ્યા નથી, તો વહેલી તકે આપી દેવામાં આવે જેથી મનરેગાના નવા કામો શરુ થાય. આ નવા કામો ગુણવત્તાવાળા થવા જોઈએ, મનરેગાના કામોમાં તાલુકા કક્ષાએથી જેટલી પણ કાળજી રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે.
નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પણ દિશા સમિતિમાં સાંસદે ટકોર કરી છે. જે વિભાગના કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યા નથી તેમના ખુલાસા પણ મંગાવવામાં આવે. દર 3 મહિને વિકાસના કામોની સમીક્ષા માટે મહત્ત્વની રહેતી હોય છે. દિશા સમિતિ બેઠક અધિકારીઓ હાજર ના રહે તે નહીં ચાલે. તેમના ખુલાસા જરૂરથી માંગવવા જોઈએ. આ બેઠકમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ પણ હાજર રહ્યા હતા.