Get The App

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા 1 - image


Narmada Dam : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (સરદાર સરોવર બંધ) ફરી એકવાર તેની ઐતિહાસિક મહત્તમ સપાટીએ છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા આજે (1 ઑક્ટોબર) ચોમાસામાં પહેલીવાર ડેમની જળ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચી છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છવાયો છે.

નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા, રાજ્યના મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દૂધ, ચૂંદડી અને નારિયેળ નર્મદાના નીરમાં અર્પણ કરીને નર્મદા નીરના ભવ્ય વધામણા કર્યા હતા.

પાંચ ગેટ ખોલાયા, 4 કરોડ પ્રજાને પીવાનું પાણી

નર્મદાના નીરના વધામણા બાદ ડેમના જળસ્તરને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક 5 ગેટ ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. હાલની 138.68 મીટરની સપાટી પર ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર જેટલી છે.

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા 2 - image

નર્મદા ડેમની સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓ થકી ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ મળીને રાજ્યની આશરે 4 કરોડની પ્રજાને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

છઠ્ઠી વખત મહત્તમ સપાટી; 10 નદીઓ પુનર્જીવિત કરાઈ

આ વર્ષ 2025 સાથે, નર્મદા ડેમ વર્ષ 2017 બાદ અત્યાર સુધીમાં કુલ 6 વખત તેની મહત્તમ સપાટીએ ભરાયો છે, જેમાં વર્ષ 2019, 2020, 2022, 2023 અને 2024નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું

આ વર્ષે નર્મદા બંધના ઓવરફ્લો દરમિયાન એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. રાજ્યની 10 નદીઓ જેવી કે પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવીને તેમને પુનર્જીવિત કરવામાં આવી છે.

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા 3 - image

વીજળી ઉત્પાદનમાં પણ વિક્રમ

જળ સંગ્રહની સાથે સાથે વીજળી ઉત્પાદનમાં પણ નર્મદા યોજનાએ વિક્રમ સર્જ્યો છે. ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ 302 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. ખાસ કરીને સપ્ટેમ્બર 2025માં માસિક વીજળી ઉત્પાદન 105 કરોડ યુનિટ જેટલું વિક્રમી રહ્યું છે. અત્યાર સુધીમાં નર્મદા યોજના દ્વારા કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ ચૂકી છે.

Tags :