નર્મદ યુનિ. ના PG ના સેકન્ડ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગણી
સુરત તા. 24 જુલાઇ 2020 શુક્રવાર
કોરોનાની મહામારી વચ્ચે પી.જી(પોસ્ટ ગ્રેજયુએટ)ના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પણ મેરીટ બેઇઝ પ્રમોશન આપવાની માંગણી સેનેટ સભ્ય સંકેત શર્મા દ્વારા કરવામાં આવી છે. પી.જીના વિદ્યાર્થીઓની પરીક્ષા કયારે લેવાશે તે હજી નક્કી નથી જેથી વિદ્યાર્થીઓની મુંઝવણનો અંત લાવવા યોગ્ય નિર્ણય લેવામાં માંગણી કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજયુએટના 1 થી 5 સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશનનો લાભ આપી આગળના સેમેસ્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે પોસ્ટ ગ્રેજયુએટના વિદ્યાર્થીઓ માટે હજી સુધી કોઇ ચોક્કસ નિર્ણય કે પછી પરીક્ષાનું સમય પત્રક યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. પી.જીના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ છેલ્લા ઘણા દિવસોથી પરીક્ષા લેવાશે કે નહીં તે અંગેની મુંઝવણ અનુભવી રહ્યા છે. જેથી પી.જી સેમેસ્ટર-2ના વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અથવા મેરીટ બેઇઝ પ્રમોશન આપવાની માંગણી કરવામાં આવી છે.