ગાંધીનગર ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં : સંભવતઃ તા. 11મીએ નાર્કો ટેસ્ટ થશે : તેના આગલા દિવસે 'સીટ' તપાસનો પ્રગતિ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરશે
રાજકોટ, : રાજ્યભરમાં ગાજેલા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં શકમંદ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો ગાંધીનગર સ્થિત એફએસએલમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. સંભવતઃ આગામી તા. ૧૧મીએ નાર્કો ટેસ્ટ કરાશે.
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા હતાં. એટલુ જ નહીં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવાનો હુકમ કર્યો હતો. જેમણે એસઆઈટીનું ગઠન કરી ગણેશ જાડેજા સહિતના ૧૩ શખ્સોના નિવેદનો નોંધ્યા હતાં, જેને કારણે આ કેસમાં ગરમાવો આવ્યો હતો. સીટે તે સાથે જ ગણેશ જાડેજા ઉપરાંત રાજકુમાર જાટનું જે બસ હડફેટે આવી જતાં મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું છે તેના ચાલક રમેશભાઈ મેરનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે ગણેશ જાડેજાએ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપતા કોર્ટે તેનો નાર્કો ટેસ્ટ કરાવવા હુકમ કર્યો હતો, જ્યારે બસ ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાને લઇ અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂર આપી ન હતી. હવે ગાંધીનગર સ્થિત એફએસએલમાં આજથી નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જેને કારણે ગણેશ જાડેજાના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. હજુ એક-બે દિવસ આ પ્રકારના ટેસ્ટ કરાશે. ત્યાર પછી સંભવતઃ આગામી તા. 11ના રોજ નાર્કો ટેસ્ટ કરાવાશે. બીજી તરફ આ કેસની તપાસ કરતી સીટ આગામી તા. 10મીએ તપાસનો પ્રગતિ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરશે. જેમાં ક્યા ખુલાસા થાય છે તેના પર જાણકારો મીટ માંડીને બેઠા છે.


