Gujarat

નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ

By GS TEAM
18 Mar 20261 min read
નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ

અમદાવાદ, બુધવાર

શહેરના નારણપુરા પ્રગતિનગરમાં  રાતના સમયે  કેટલાંક માથાભારે તત્વોએ હથિયારો સાથે આવીને એક કાર સહિત કેટલાંક વાહનોમાં તોડફોડ કરી હતી. જે અંગે નારણપુરા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.  પ્રગતિનગરમાં રહેતી મહિલાને ડરાવવા માટે અને આસપાસમાં ભયનો માહોલ બનાવવા માટે ટોળાએ હથિયારો સાથે આવીને તોડફોડ કરી હતી.

નારણપુરા પ્રગતિનગરમાં રહેતા ભૂષણભાઇ વૈષ્ણવ સોમવારે રાતના સમયે ઘરે હાજર હતા ત્યારે તેમના ઘરની બહાર સાતથી આઠ લોકો લાકડી અને હથિયારો સાથે આવ્યા હતા. તેમણે આવીને અચાનક ભૂષણભાઇની કાર તેમજ આસપાસના અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  આ સમયે ભૂષણભાઇએ નીચે આવીને કારમાં તોડફોડ કરતા લોકોને રોકતા તેને ધમકી આપી હતી.

આ દરમિયાન કંટ્રોલ રૂમમા ંજાણ કરતા પોલીસ સ્ટાફ આવતા તમામ લોકો નાસી ગયા હતા. આ અંગે જાણવા મળ્યું હતું કે પ્રગતિનગરમાં રહેતી હેતલબેન નામની મહિલાને ડરાવવા માટે તમામ લોકો આવ્યા હતા અને કાર હેતલબેનની  હોવાનું માનીને તોડફોડ કરી હતી. આ અંગે નારણપુરા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.