મહિસાગર જિલ્લાના ૧૨૩.૨૨ કરોડના નલ સે જલ કૌભાંડમાં હજી વધુ આરોપીઓના નામ ખૂલશે
સી.આઇ.ડી.ની ચાર ટીમો આરોપીઓને પકડવા માટે દોડધામ કરી રહી છે
વડોદરા,મહિસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ ગુનો દાખલ થયા પછી નોકરી પર જતા નથી. સી.આઇ.ડી.ની ટીમે આરોપીઓને ઝડપી પાડવા માટે તેઓના આશ્રય સ્થાનો પર દરોડા પાડવાનું શરૃ કર્યુ છે. આજે વધુ એક ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે બનાવવામાં આવી છે.
મહિસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના વોટર સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ એજન્ટ અને ખાનગી કંપનીને લાભ થાય તે હેતુસર ગામોની પાઇપ લાઇન, ઘર જોડાણ તથા આનુષંગિક કામગીરીના ખોટા હિસાબો દર્શાવી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જિલ્લાના ૬૨૦ ગામોમાં પીવાના પાણીની પાઇપ લાઇન, કૂવા, ટયૂબવેલ વગેરેની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ, કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે માટે ખોટા બિલ મંજૂર કરી ૧૨૩.૨૨ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ અંગે સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં ગુનો દાખલ થયા પછી ગાંધીનગર કચેરી દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. ડીવાય.એસ.પી. એ.એમ. પટેલે જણાવ્યું છે કે, તમામ આરોપીઓ ફરાર છે. ગુનો દાખલ થયા પછી તેઓ નોકરી પર પણ આવતા નથી. આજે વધુ એક ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે બનાવવામાં આવી છે. આ સાથે કુલ ચાર ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે. આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓની સંખ્યા વધે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.