ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા
- પ્રમુખના નામ જાહેર કરવામાં 10 દિવસનો વિલંબ, વિરોધ નહીં થતા કોંગ્રેસને રાહત
- ભાવનગર, ઉમરાળા અને ઘોઘા તાલુકાના પ્રમુખને રિપીટ કરાયા, 9 તાલુકા-શહેરમાં નવા પ્રમુખોને તક અપાઈ
ભાવનગર જિલ્લામાં ૧ર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આજે રવિવારે નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ભાવનગરમાં અશોક ગોહિલ, ઉમરાળામાં શકિતસિંહ ગોહિલ, ઘોઘામાં સુરજીતસિંહ ગોહિલ વગેરેને રિપીટ કરવામાં આવ્યા છે, જયારે વલ્લભીપુરમાં ભગીરથસિંહ ગોહિલ, પાલિતાણામાં મુન્ના કામળિયા, તળાજામાં હનુભા સરવૈયા, સિહોરમાં અશોક મકવાણા, ગારિયાધારમાં ઘનશ્યામ ખોખર, જેસરમાં રામા ભમ્મર, ગારિયાધાર શહેરમાં જીતેન્દ્રકુમાર વણઝારા, પાલિતાણા શહેરમાં ધર્મેન્દ્રસિંહ સરવૈયા અને તળાજા શહેરમાં ગૌરાંગ બાલધિયાના નામ જાહેર કરાયા છે. આ ૯ તાલુકા-શહેરમાં પ્રમુખો બદલાવી નવા કાર્યકરોને તક આપવામાં આવી છે.
જિલ્લામાં તાલુકા-શહેર પ્રમુખની નિયુક્તિ માટેની પ્રક્રિયા આશરે ર૪ દિવસ પૂર્વે હાથ ધરવામાં આવી હતી અને ૪૯ કાર્યકરે દાવેદારી કરી હતી. ગત તા. ર૦ ઓગષ્ટે પ્રમુખોના નામ જાહેર કરવાના હતા પરંતુ પ્રમુખોના નામ જાહેર કરવામાં ૧૦ દિવસનો વિલંબ થયો છે. આ નિયુક્તિ બાદ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ બાબતે જાહેરમાં કોંગ્રેસ વિરોધ થયો નથી તેમ કોંગ્રેસના સુત્રોએ જણાવેલ છે. શહેરમાં ૧૦ વોર્ડ પ્રમુખના નામ આગામી બે-ત્રણ દિવસમાં જાહેર થશે તેવી સંભાવના છે.
કોંગ્રેસ સંગઠનમાં 4 જ્ઞાતીના યુવાનોને તક, અન્યની બાદબાકી
ભાવનગર જિલ્લાના તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિમાં પ જ્ઞાતીના યુવાનોને તક મળી છે, જેમાં પ ક્ષત્રિય, ૩ કોળી, ર આહિર, ૧ પટેલ અને ૧ દલિત સમાજના યુવાનનો સમાવેશ થાય છે, જયારે અન્ય સમાજના યુવાનોને તક નહીં મળતા નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસે પણ જ્ઞાતી સમીકરણના આધારે નિયુક્તિ કરી છે અને આગામી દિવસોમાં સંગઠનમાં અન્ય સમાજના કોંગ્રેસ કાર્યકરોની લેવામાં આવશે તેમ કોંગ્રેસ સુત્રોએ જણાવ્યુ હતું.