Get The App

અંજારમાં 'નલ સે જલ' અને જીયુડીસીના ચાલતા કામોમાં દેખીતો ભ્રષ્ટાચાર!

Updated: May 16th, 2025

GS TEAM

Google News
Google News
અંજારમાં 'નલ સે જલ' અને જીયુડીસીના ચાલતા કામોમાં દેખીતો ભ્રષ્ટાચાર! 1 - image

પાલિકા પણ ભ્રષ્ટાચાર કરે અને અન્યોને પણ કરાવે!

લાઈનો નાખી ત્યાં પીસીસી નથી કરાયું, લીક થઈ ગયેલી વોટર ટેન્કને થીગડું મારી પાલિકાને પધરાવવાની તૈયારી : પાલિકાનું મૌન

ગાંધીધામ: અંજાર નગરપાલિકામાં વહીવટ કરતાં પદાધિકારીઓ પોતે તો ભ્રષ્ટાચાર કરે જ છે સાથે અન્યોને પણ ભ્રષ્ટાચાર માટે ખૂલો દોર આપી ડેટા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પાલિકાની નવી બોડીએ જે પણ કામો કર્યા છે તે તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના અગાઉ ઉઠી ચૂકેલા આક્ષેપો સાથે હવે નલ સે જલ યોજના અંતર્ગત થતાં કામો અને જીયુડીસી દ્વારા કરવામાં આવતા કામોમાં પણ ભ્રષ્ટાચાર કરવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. નલ સે જલ અંતર્ગત કરવામાં આવેલા અને ગટરના કરવામાં આવેલા કોઈપણ કામોમાં પીસીસી નથી થયું ઉપરાંત સ્ટેડિયમ પાસેનો વોટર ટેન્ક જે એકદમ નવો બનેલો છે જેથી એક વાર પણ પાણી સપ્લાય નથી અપાયું તે અત્યારથી જ લીક થઈ ગયું હોવાથી તેને થીગડું મારી પાલિકાને પધરાવી દેવાની ફેરવી ચાલતી હોવાના આક્ષેપો પણ ઉઠયા છે. 

આ અંગે અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપતા અને આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, અંજાર શહેરમાં વિવિધ સ્થળોએ પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડોના ખર્ચે નલ સે જલ પ્રોજેક્ટ તથા ગટરની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે જીયુડીસીના કામો ચાલી રહ્યા છે. તે કામની બિલકુલ ગુણવત્તા યોગ્ય નથી. આ સીવાય શહેરના વિવિધ વિસ્તારમાં પી.સી.સી કર્યા વગર જ પાઇપ નાખવામાં આવ્યા છે. એટલે કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે. આટલું ઓછું હોય તેમ શહેરના સ્ટેડિયમમા બનાવવામાં આવેલા પાણી સપ્લાય માટેના ટાંકો (વોટર ટેન્ક)નો ક્યારેય ઉપયોગ કરાયો નથી તેમાથી પણ એકેય વાર શહેર માટે પાણી સપ્લાય કરાયું નથી. નવું કામ કર્યા બાદ જ્યારે તેની તપાસણી માટે ટેન્કમાં પાણી ભરાયું ત્યારે જ લીકેજ હતું. જેથી તેને થીગડુ મારી પાલિકાને સુપરત કરવાની તૈયારી ચાલુ છે જે સ્વીકારવામાં ન આવે અને એજન્સીને નવી ટાંકી બનાવી આપવાની નોટીસ આપવા સાથે પીસીસ વગરનું કામ ઉપરાંત જેટલા પણ કામમાં ભ્રષ્ટાચાર કરાયો છે તે તમામને નોટિસ આપી કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે. નલ સે જલ અને જીયુડીસીના ચાલતા કામોમાં દેખીતો ભ્રષ્ટાચાર હોવા છતાં પાલિકા ચૂપ હોવાનો આક્ષેપ કરાયો હતો.