Get The App

નલ સે જલ કૌભાંડ ઃ વડોદરા ભાજપના નેતા સહિત ૫ ઝડપાયા

મહીસાગર જિલ્લામાં પાયાના ભાજપના કાર્યકર અને કોન્ટ્રાક્ટર મુકેશ શ્રીમાળી પાસેથી રૃા.૧.૭૬ કરોડ વસૂલવાના બાકી

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
નલ સે જલ કૌભાંડ ઃ વડોદરા ભાજપના નેતા સહિત ૫ ઝડપાયા 1 - image

લુણાવાડા તા.૨૧ મહીસાગર જિલ્લાના નલ સે જલ વાસ્મોના કૌભાંડમાં ૪ કર્મચારી અને વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તથા મહીસાગર જિલ્લાના ભાજપના પાયાના કાર્યકર એવા એક કોન્ટ્રાકટર મળી કુલ પાંચ  આરોપીની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી  છે.

મહીસાગર જિલ્લામાં  ૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં એવી વિગત બહાર આવી છે કે કર્મચારીઓનું મુખ્ય કામ ગ્રામીણ સ્તરે લોકોનો સંપર્ક કરવો અને સરપંચોને યોજનાકીય મદદ કરવાનું હતું. કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો. નલ સે જલ યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે વ્યાપક ગેરરીતિ આચરવાના કૌભાંડમાં સીઆઈડી દ્વારા અગાઉ ૧૮ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

આ વખતે એવા કર્મચારીઓની ધરપકડ કરી છે જેનો ઉલ્લેખ ફરિયાદમાં ન હતો. સોશિયલ કર્મચારીઓએ સરપંચોને વિશ્વાસમાં લઈ અથવા અંધારામાં રાખી, તેમના લેટર પેડ ઉપર ખોટા માહિતી પત્રો ભરી નાણાની માંગણી કરી હોવાનું તપાસમાં બહાર આવતા તેઓની ધરપકડ કરી છે.  

સરપંચોના કોરા લેટરપેડનો ઉપયોગ કરી નાણાની માંગણી કરી હોવાનું ગામોના સરપંચોના નિવેદનમાં બહાર આવ્યું હતું. સરપંચોએ નિવેદન આપ્યું હતું કે, કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલા દસ્તાવેજોમાં તેમણે માત્ર સહીઓ જ કરી હતી અંદરની વિગતો કર્મચારીઓ દ્વારા તેમની મરજી મુજબ ભરી હતી. ટેકનિકલ પુરાવાઓને આધારે સીઆઈડી ક્રાઈમે ચાર સોશિયલ કર્મચારીઓ ગીરીશ જયંતિલાલ, જનાર્દન ઈશ્વરભાઈ પટેલ, મહેન્દ્ર ભાનુભાઈ રાઠોડ અને નાથાભાઈ લાલાભાઈ ડામોરની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લાના ભાજપના અગ્રણી મુકેશ શ્રીમાળીની પણ ધરપકડ કરી હતી જેમાં તેમની પાસેથી ૧.૭૬ કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે.