નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને 'વીલા મોઢે' પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

Nal Sarovar Bird Sanctuary Boating SOP: ગુજરાતના ગૌરવ સમાન અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટતરીકે ખ્યાતિ પામેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર-દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર નિરાશા સાંપડી રહી છે. પક્ષીઓને નજીકથી જોયા વિના માત્ર કિનારેથી સરોવરની ઝલક જોઈને 'વીલા મોઢે' પાછા ફરવાનો વારો આવતા પ્રવાસીઓનો ઉત્સાહ ઓસરી ગયો છે.

કેમ સર્જાઈ આ વિકટ પરિસ્થિતિ?
પ્રાપ્ત અહેવાલો મુજબ આ સમગ્ર પરિસ્થિતિનું મુખ્ય કારણ આશરે જાન્યુઆરી 2024માં વડોદરા ખાતે બનેલી હરણી તળાવ દુર્ઘટના છે. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જળ સ્થાનો પર પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને SOP લાગુ કરી છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ નળ સરોવરમાં પણ આ નવા નિયમો, જેમાં લાઇફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત છે. તંત્રનું કહેવું છે કે નાવિકોએ સરકાર માન્ય, નવા નીતિ-નિયમો વાળી બોટો લાવવી પડશે.

નાવિકો અને તંત્ર આમને-સામને
સરકારના નીતિ-નિયમ વાળી નવી બોટની કિંમત અંદાજે રૂ.80,000 થી રૂ.90,000 જેટલી ઊંચી છે. તંત્ર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાય આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. આમ છતાં, સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો દ્વારા જ નૌકા વિહાર ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા બિલકુલ તૈયાર નથી.

સ્થાનિકોની રોજીરોટી પર ગંભીર અસર
નળ સરોવરની આસપાસના વેકરીયા,મેની, ધરજી , રાણાગઢ સહિતના 15 જેટલા ગામોના 500થી વધુ પરિવારો મુખ્યત્વે આ પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. આ ગામોના લોકો નાવિક તરીકે બોટિંગ સેવા આપીને, નાસ્તા-ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી જેવી સેવાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા.
બોટિંગ અને ઘોડેસવારી જેવી સેવાઓ બંધ થવાથી, આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આ વિસ્તારની જમીન ક્ષારયુક્ત અને સિંચાઈ માટે અયોગ્ય હોવાથી, આ પરિવારોની આવકનો મુખ્ય આધાર શિયાળાની 3-4 મહિનાની પ્રવાસન સીઝન પર જ રહેલો છે.
સરકારી તિજોરીને પણ નુકસાન
બોટિંગ બંધ થવાથી પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વન વિભાગ અને રાજ્ય સરકારને પણ આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવક ઘટવાથી સરકારી તિજોરી પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.
પ્રવાસીઓની માંગ અને આશા
પર્યટકો, પક્ષી નિરીક્ષકો અને વન્યજીવ ફોટોગ્રાફરો દૂર-દૂરથી નળ સરોવરની મુલાકાતે આવે છે. પરંતુ બોટિંગ વિના તેઓ યાયાવર પક્ષીઓને નજીકથી જોઈ શકતા નથી. પ્રવાસીઓની માંગ છે કે સરકાર સુરક્ષાના પગલાં સાથે જલદીમાં જલદી બોટિંગ સેવાઓ ફરી શરૂ કરે, જેથી તેઓ આ અદ્ભૂત પક્ષી અભયારણ્યના સંપૂર્ણ અનુભવનો લાભ લઈ શકે.
સ્થાનિકો અને પ્રવાસીઓ આશા રાખી રહ્યા છે કે વન વિભાગ અને સરકાર સકારાત્મક નિર્ણય લઈને દિવાળી વેકેશનની બાકીની અવધિમાં જ અથવા ટૂંક સમયમાં બોટિંગ પુનઃસ્થાપિત કરશે. જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરે અને પ્રવાસીઓમાં ફેલાયેલી નિરાશા દૂર થાય.
હવે શિયાળાની ઋતુની શરૂઆત થશે ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન થશે. જેથી વિદેશી પક્ષીઓને જોવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અને વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે. પક્ષીઓને જોવા માટે નૌકા વિહાર જરૂરી છે, તો જ નજીકથી પક્ષીઓ નિહાળી શકાય. નળસરોવરમાં આવેલા અલગ અલગ બેટો પર જઈ શકાય છે. પરંતુ બોટ વિહાર જ બંધ હોવાથી અહીંયા લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ નિરાશ થઈ પાછા ફરતા હોય છે.
નળ સરોવરનો અદભૂત નજારો


