નાગાબાવાએ સિનિયર સિટિઝનને હિપ્નોટાઇઝ કરી દાગીના પડાવી લીધા
નંબર પ્લેટ વગરની સફેદ કારમાં ત્રણ આરોપીઓએ સરનામુ પૂછવાના બહાને વાતચીત શરૃ કરી હતી

વડોદરા,સિનિયર સિટિઝનને હિપ્નોટાઇઝ કરી નાગા બાવાના સ્વાંગમાં આવેલો ઠગ અને તેના બે સાગરિતો સોનાની વીંટી અને ચેન તફડાવીને ફરાર થઇ ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ સૌજન્ય ટાઉનશિપમાં રહેતા ૭૪ વર્ષના સુરેશચંદ્ર દલપતરામ રાણા સિઝનેબલ ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૯ મી તારીખે મેં આજવા રોડ એચ.ડી.એફ.સી. બેંકની બહારના ભાગે ફટાકડાનો સ્ટોલ નાખ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગ્યે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર અમારા સ્ટોલની પાસે આવીને ઉભી હતી. કારમાં બેઠેલી વ્યક્તિએ મને પૂછ્યું હતું કે, સૂર સાગર કઇ બાજુથી જવાય ? મારી સાથેના રૃસ્તમભાઇએ તેઓને સૂરસાગર જવાનો રસ્તો બતાવ્યો હતો. કારના ડ્રાઇવરે બૂમ પાડીને બોલાવતા હું કાર પાસે ગયો હતો. કારમાં ત્રણ વ્યક્તિઓ બેઠી હતી. જેમાં એક નાગો બાવો હતો. કારની પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિએ મને કહ્યું કે, નાગા બાવા આયે હે. ઉનકા આશીર્વાદ લે લો. જેથી, ગાડીના દરવાજા પર મારા હાથ ટેકવી દરવાજાના ખુલ્લા કાચની અંદર માથું લઇ જઇ હું આશીર્વાદ લેતો હતો. નાગા બાવાએ મારા માથા પર હાથ મૂકી મને પીઠના ભાગે જોરથી થપ્પો મારી આશીર્વાદ આપ્યા હતા.નાગા બાવાએ મારી પાસેથી ચશ્મા અને મોબાઇલ ફોન માગતા મેં આપ્યા હતા. બંને પર હાથ ફેરવીને મને પરત આપી દીધા હતા. ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું કે, તુમને જો હાથ મેં વીંટી ઓર ગલે મેં ચેન પહેની હે, ઉસકો ઉતારકે મુજે દે દો. મેં વીંંટી અને ચેન ઉતારીને આપ્યા હતા. મને હિપ્નોટાઇઝ કરી નાગા બાવા સહિતની ત્રિપુટી મારી પાસેથી સોનાની વીંટી અને ચેન ૧૭ ગ્રામ વજનની લઇને જતી રહી હતી. દિવાળીના તહેવારમાં હું વ્યસ્ત હોઇ હાલમાં ફરિયાદ કરવા આવ્યો છું.

