નડિયાદના યુવકે પરિવાર સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે 71 લાખ ગુમાવ્યાં
- વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ
- નાણાં આપ્યા બાદ એક વર્ષ સુધી વર્ક પરમિટ વિઝા નહીં મળતાં શખ્સનો સંપર્ક સાધતા ગલ્લાં તલ્લાં કરતો હતો
બે વર્ષ પહેલાં કાલિકા પ્રોજેક્ટ ઈન્ડિયાના વિઝાની જાહેરાત જોઈને સંપર્ક સાધ્યો હતો
કેનેડાની એક કંપનીનો ઓથોરિટી લેટર અને વીડિયો બતાવી યુવકનો વિશ્વાસ કેળવી લીધો હતો
નડિયાદમાં રહેતાં મૌલિકભાઈ શાહની પત્ની વર્ષાબેને વર્ષ ૨૦૨૩માં કાલિકા પ્રોજેક્ટ ઇન્ડિયાના વિઝાની જાહેરાત જોઈ તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં મૌલિકભાઈ તેની પત્ની અને સાળા સમીરકુમાર બારોટ સાથે જાહેરાતમાં જણાવેલ સરનામું વિદ્યાનગરની જનતા ચોકડી ખાતે આવેલ ઓફિસે ગયા હતાં. જ્યાં કેનેડાના વર્ક પરમીટ વિઝાની વાત કરતા કન્સલટન્સીની ઓફીસ ધરાવતા મોગરીના સુનિલ મદનલાલ શાહ નામના શખ્સે વ્યક્તિદીઠ ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. બાદ નવેમ્બર-૨૦૨૩માં યુવક ફરી કન્સલટન્સીની ઓફિસે જતાં ત્યાં સુનિલ શાહ તેની પત્ની મયુરીબેન અને પુત્ર-પુત્રવધૂ ધાર્મિક અને મોનિકાબેન સાથે હાજર હતો. અને કેનેડાની એક કંપનીનો ઓથોરિટી લેટર બતાવી વિડીયો સહિતની વિગતો આપી વિશ્વાસ કેળવી લીધો હતો. બાદ મૌલિકભાઈએ તેની પત્ની અને સાળાના વિઝા પ્રોસેસ કરવા માટે ટૂકડે ટૂકડે કરીને ૧૫ લાખ રોકડા અને ૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યાં હતાં. તેમજ મૌલિકભાઈના સંબંધી ધૈર્યના ડિપેન્ડન્ટ વિઝાના કામ માટે પણ વધુ ૪.૨૫ લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતાં. ત્યારબાદ જાન્યુઆરી-૨૦૨૪માં સુનીલે યુવકને ફોન કરી 'વિઝાના કામ માટે દિલ્હી આવ્યો છું પ્રોસેસ ફી મોકલી આપો' તેમ કહેતા યુવકે ટૂકડે ટૂકડે ૧૦ લાખ ટ્રાન્સફર કરી આપ્યાં હતાં.એટલું જ નહીં, સુનિલે ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં વર્ક પરમિટ વિઝા થઈ જશે તેમ કહીંને ટુકડે ટુકડે કરીને વધુ ૨૧. ૪૦ લાખ લીધા હતા. ત્યારબાદ આજદિન સુધી યુવકને તેના પરિવારજનોને કેનેડા જવા માટે વર્ક પરમિટ વિઝા નહીં મળ્યાં ન હતાં. જેથી યુવકે સુનિલ શાહનો ફરી સંપર્ક કરી તેઓએ વિઝા માટે ટૂકડે ટૂકડે કરીને આપેલા કુલ ૭૧.૦૬ લાખ રૂપિયા પરત માંગતા અવારનગર ગલ્લાં તલ્લાં કરતો હોવાથી યુવકે સુનિલ સહિત ચાર શખ્સો સામે છેતરપિંડીની વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.