નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ
- ડભાણ ગામમાં નંદનવન સીડ્સના માલિક વિરૂદ્ધ મહારાષ્ટ્રના વેપારીની ફરિયાદ
- રૂા. 15.17 કરોડ એડવાન્સ લઈ લીધા બાદ 6.58 કરોડનો જ માલ મોકલ્યો : મહારાષ્ટ્રના વેપારી નડિયાદમાં મહિનો રોકાઈ રોજ ગોડાઉનના ચક્કર કાપતા રહ્યા
મહારાષ્ટ્ર રાજ્યના જાલના શહેરમાં ન્યુ એચ.જી?.અગ્રવાલ સીડ્સ બીજ અને કિટક નાશક કંપનીમાં પ્રોપરાઈટર તરીકે સુનીલભાઈ સત્યનારાયણ ઝાઝરીયા છે. પરંતુ આ કંપનીનો સંપૂર્ણ વ્યવસાય સુનીલભાઈનો પુત્ર શુભમ ઝાઝરીયા સંભાળે છે. આ ન્યુ એચ.જી?.અગ્રવાલ સીડ્સ કંપનીના વ્યવસાય માટે વ્યાજબી ભાવે ક્યાંથી માલ મળે છે જે બાબતે કંપનીના માણસો તપાસ કરતાં હતા. બાદમાં શુભમભાઈ અને મેનેજર તા.૧૨/૧/૨૦૨૪ના રોજ નડિયાદ તાલુકાના ડભાણ નંદનવન સીડ્સ ખાતે માલિક કેતુલ જગદીશ પટેલને મળવા આવ્યા હતા. દરમિયાન કેતુલ પટેલે શુભમભાઈને જણાવેલું કે, ૧૦૦ ટકા રકમ એડવાન્સ પેમેન્ટ આપ્યા પછી બાયર અને સિજેન્ટા કંપનીનો માલ વધુ વ્યાજબી ભાવે આપીશ. તમારે સંપુર્ણ પેમેન્ટ એડવાન્સમાં આપવું પડશે અને વ્યવસાય શરૂ કરવા માટે સાત કરોડ રૂપિયા એડવાન્સમાં આપવા પડશે.
તમે અમારી સાથે વ્યવસાય (ધંધો) શરૂ કરો તેમ કહી શુભમભાઈ અને મેનેજરને વિશ્વાસમાં લીધા હતા.
જંતુનાશક દવાઓના માલ બાબતે ન્યુ એચ.જી?.અગ્રવાલ સીડ્સ કંપનીએ કહ્યા મુજબ એડવાન્સ પેમેન્ટ અલગ અલગ તારીખે માલના ટીડીએસ સાથે કુલ રૂ.૧૫,૧૮,૫૧,૯૫૬ એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા. જેના અવેજમાં કેતુલ પટેલે ડિસ્કાઉન્ટ બાદ કરી રૂ.૬,૫૮,૪૧,૫૯૭.૪૬નો માલ મોકલી આપ્યો હતો. પરંતુ કેતુલે રૂ.૮,૬૦,૧૦,૩૪૮.૫૪નો માલ એચ.જી?.અગ્રવાલ સીડ્સને મોકલી આપ્યો ન હતો. જેથી શુભમ ઝાઝરિયાએ વારંવાર બાકીના રૂપિયા આપવા અથવા માલ મોકલી આપવા જણાવતા કેતુલ પટેલ આનાકાની કરતો હોવાથી શુભમભાઈ અને મેનેજર નડિયાદ આવ્યા હતા. દોઢ મહિના જેટલો સમય તેઓ નડિયાદમાં રોકાયા હતા. દરમિયાન તેઓ દરરોજ ડભાણ ખાતે આવેલા ગોડાઉનના ચક્કર મારતા હતા. ત્યારે જેમ બને તેમ વહેલી તકે તમને તમારો માલ કે પૈસા પરત મળી જશે તેવો વિશ્વાસ કેતુલ પટેલ આપતો હતો. તા.૭/૮/૨૦૨૪ના રોજ શુભમભાઈ તથા મેનેજર અજય બોરા કેતુલ પટેલના ઘરે ગયા હતા. ત્યારે કેતુલ પટેલ ઘરે ન હતો. જ્યારે ઘરે હાજર તેના પિતાએ રાયટીંગ પેડ ઉપર લખી જણાવેલું કે કેતુલ અમોને છોડીને ભાગી ગયેલો છે. ડિસેમ્બર સુધીનો સમય આપો. ત્યારબાદ ડિસેમ્બરમાં ફરીવાર પૈસા અથવા માલ લેવા આવતા જગદીશભાઈ તથા કેતુલભાઇના પત્ની રૂપલ પટેલ તથા એકાઉન્ટન્ટ અલ્પેશભાઈ પટેલ ઉર્ફે મુન્નાભાઇ એ જણાવેલ કે, માર્ચ ૨૦૨૫ સુધી સમય આપો તમને પેમેન્ટ મળી જાય તે અંગે કેતુલ પટેલને જાણ કરી તમારૂ પેમેન્ટ અપાવી દઇશું. માર્ચ-૨૦૨૫માં મહારાષ્ટ્રની આ કંપનીને પૈસા નહીં મળતા શુભમભાઈ અને મેનેજર અજય બોરા ઘરે જતા કેતુલે રૂપિયા લીધેલા છે તેનો હિસાબ તેમની પાસે માંગો તેમ કહી ઘરવાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. વધુ તપાસ કરતા કેતુલ પટેલે માલ મેળવતી જુદી જુદી કંપનીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું તેમજ અગાઉ રાજસ્થાનમાં પોલીસ કેસ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનવા અંગે ન્યુ એચ.જી.અગ્રવાલ સીડ્સ કંપનીના શુભમ સુનિલભાઈ સત્યનારાયણ ઝાઝરીયાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ? સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નંદનવન સીડ્સના માલિક કેતુલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.