Gujarat

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ

By GS TEAM
28 Oct 20251 min read
નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ

- જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી

- ફાયર સેફ્ટી સહિતના માપદંડોનું પાલન નહીં કરાતા વારંવાર નોટિસ છતાં બેદરકારી દાખવવાતા નિર્ણય

નડિયાદ : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) સાથે સંકળાયેલી નડિયાદની રેનસ હોસ્પિટલને નિયમોના ઉલ્લંઘન બદલ જિલ્લા આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કરી દીધી છે. વારંવાર નોટિસો છતાં હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટી સહિતના આવશ્યક માપદંડોનું પાલન ન કરાતા કાર્યવાહી કરાઈ છે.

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ બાદ નડિયાદમાં આવેલી રેનસ હોસ્પિટલને પીએમ-જેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ અને સલામતી માપદંડોની ચકાસણી દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટી સંબંધિત ફરજિયાત નિયમો અને અન્ય આવશ્યક માર્ગદશકાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટને આ ખામીઓ દૂર કરવા માટે અગાઉ નોટિસ પણ આપી હતી, પરંતુ હોસ્પિટલે નોટિસમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી હતી. સરકારી યોજનાઓ હેઠળ કાર્યરત હોસ્પિટલો માટે દર્દીઓની સલામતી અને આરોગ્યની ગુણવત્તા જાળવવી અનિવાર્ય છે. જે પીએમજેએવાય યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોએ નિયત ધોરણો જાળવવા પડે છે. તેનું પાલન ના થતાં જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ નિર્ણયને પગલે હવે રેનસ હોસ્પિટલ પીએમજેએવાય યોજના હેઠળ આવતા દર્દીઓને સારવાર આપી નહીં શકે.