નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા

Kheda News: ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારીએ તેમના 50 ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. રાજુભાઈ રબારી અને તેમના 50 સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજુભાઈ રબારી અને તેમના સમર્થકોએ ખેડા જિલ્લા કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરીને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટના બાદ હવે કોંગ્રેસના અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ગયા છે.
માલધારી સમાજના આ આગેવાનના ભાજપમાં જોડાવાના પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા નેતાઓમાં ભાજપના શહેર પ્રમુખ વિરાગભાઈ શાહ, પૂર્વ પ્રમુખ તેજસ પટેલ, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પેરીન બ્રહ્મભટ્ટ સામેલ હતા.
આ ઉપરાંત, માલધારી સમાજના અગ્રણીઓ જેવા કે મુકેશભાઈ રબારી (ગૌ સંવર્ધન સેલ ગુજ. પ્રદેશ), સામાજિક આગેવાન વિઠ્ઠલભાઈ રબારી, કનુભાઈ રબારી, દિનેશભાઈ રબારી અને નવીનભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ રબારીના ભાજપ પ્રવેશથી ખેડા જિલ્લાના માલધારી સમાજમાં ભાજપનું વર્ચસ્વ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે.