Get The App

નડિયાદ મહાનગરપાલિકામાં 10 પંચાયતોનો સમાવેશ

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદ મહાનગરપાલિકામાં 10 પંચાયતોનો સમાવેશ 1 - image


- મનપાની અમલવારીનું જાહેરનામુ જાહેર થશે : નવુ માળખું ઉભું કરતા દસ મહિના લાગે તેવી સંભાવના 

- અમદાવાદના ડે. મ્યુનિ. કમિશનર મિરાંત પરીખની નડિયાદ મનપા કમિશનર તરીકે નિમણૂંક : ડેપ્યૂટી કમિશનરોની નિમણૂક કરાશે : નડિયાદ પાલિકા અને ગ્રામ પંચાયતોનું વિસર્જન કરાયું : જિલ્લા ક્લેક્ટર વહીવટદાર બન્યા

નડિયાદ : નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી.જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મનપાની અમલના જાહેરનામુ પ્રસિધ્ધ ટુંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે. હાલમાં નડિયાદ  મનપામાં મ્યુનિ. કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે. નવું માળખું ઉભું કરતા ૮થી ૧૦ મહિના લાગવાની શક્યતા છે. 

નડિયાદને મનપા બનાવવા માટે પાલિકા વિસ્તાર ઉપરાંત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ મળી ૧૦ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

પરિણામે આ તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિતની બોડી અને નડિયાદ પાલિકામાં પ્રમુખ સહિતની બોડીનું વિસર્જન થયું છે. 

સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. 

નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ નર્મદા પ્રોજેક્ટ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા. 

તેમજ જિલ્લા કલેક્ટર વહીવદાર બનશે. હવે સૌપ્રથમ વિસ્તાર આધારિત અને મનપામાં સમાવિષ્ટ જનસંખ્યાના આધાર મુજબ મહેકમનું નવું માળખું બનાવવામાં આવશે. ડેપ્યુટી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ મૂકાશે. 

ઉપરાંત પાલિકાના ખાતાકીય વડાઓને મનપામાં ચાર્જ સોંપાશે. વર્ષો જૂના ફિક્સ પગાર અને રહેમરાહવાળા કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. તેમજ કાયમી કર્મચારીઓની ભરતી કરાશે અને કર્મીઓની સંખ્યામાં વધારો કરાશે.તેમજ આઉટસોર્સ-કોન્ટ્રાક્ટ અને કરાર આધારીત કર્મચારીઓને યથાવત રખાશે અને આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટમાં નવી ભરતી કરવામાં આવશે.

મનપાના અમલની જાહેરાત થતાં જ અધિકારીઓની બેઠક મળી

નડિયાદમાં મનપાના અમલની જાહેરાત થતાં મોડી સાંજે નડિયાદ મનપા કચેરીમાં જિલ્લા કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર, સૂચિત ગામોના તલાટીઓ, ચીફ ઓફિસર, એકાઉન્ટન્ટ, મ્યુનિ. ઈજનેર સહિતના અધિકારીઓ, કર્મચારીઓની મેરેથોન બેઠક યોજાઈ હતી. 

નડિયાદને હવે કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટ મળશે

* મનપામાં કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટ મળશે. 

* રાજ્ય સરકાર દ્વારા મનપામાં સમાવિષ્ટ ગામો માટે પુરતી ગ્રાન્ટની વ્યવસ્થા કરાશે. 

* રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ-બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે. 

* મનપામાં અર્બન પ્લાનિંગ ટીપી સ્કીમ આધારિત અને ઓર્ગેનાઈઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થશે. 

* મોટા પ્રમાણમાં રોજગારીની નવી તકો સર્જાશે.

* સમયાંતરે નવી મનપાઓમાં બીઆરટીએસ, મેટ્રો રેલ સહિતના વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે.

પર્યાવરણ સહિતના નવા વિભાગો હવે અસ્તિત્વમાં આવશે  

નડિયાદ પાલિકામાં ખૂબ સિમિત વિભાગો હતા. હવે મનપા બનતા અલગથી આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ, રેવન્યુ વિભાગ, શહેરી ગરીબ આવાસ, ફૂડ વિભાગ અને એસ્ટેટ વિભાગની રચના કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

અઠવાડિયાથી બિલો લેવા કોન્ટ્રાક્ટરોની પાલિકા કચેરીએ દોડધામ 

નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થવાની તૈયારીઓ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાના સત્તાધીશો, વહીવટી પાંખ, કોન્ટ્રાક્ટરો અંતિમ ઘડીના કામો અને લાભો લેવામાં વ્યસ્ત બન્યા હતા. કોન્ટ્રાક્ટરો બિલો લેવા માટે પાલિકા કચેરી ખાતે રીતસર દોડધામ કરતા જોવા મળ્યા હતા. 

નાગરિકો પર કરવેરાનું ભારણ વધશે

મનપામાં વેરાના નવા સ્લોટ બનશે. અત્યારસુધી ગ્રામ પંચાયતમાં ઓછો વેરો ભરતા ગ્રામજનોને મનપામાં સમાવેશ થતાં વાર્ષિક મોટો નાણાંકિય બોજો આવશે. નવી સોસાયટીઓ બનશે તો માર્જીન રેશીયો વધશે અને મોંઘવારી વધશે. 

નવી ઝોનલ કચેરીઓ ખોલવામાં આવશે

નડિયાદ મનપામાં અંદાજે ચાર ઝોન બનાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઝોન અંતર્ગત ઝોનલ ઓફિસ ખોલવામાં આવશે. ઝોનમાં વિસ્તારો નિશ્ચિત હશે, તે વિસ્તારના નાગરિકોને નાના-મોટા કામો માટે મનપા કચેરીએ આવવાના બદલે ઝોનલ ઓફિસમાં જ કામગીરી થઈ જશે. 

ફેઝ-૨માં સમાવેશ થનારા સંભવિત ગામોની યાદી 

ગામ  વસ્તી

સલુણ તળપદ     ૧૨૦૧૦

સલુણ વાંટા ૫૮૧૨

પીજ  ૭૯૧૨

પીપળાતા   ૧૧૦૨૫

કેરીયાવી    ૬૪૨૩

હાથનોલી    ૧૭૬૧

ગુતાલ       ૪૨૩૪

દાવડા        ૪૫૪૫

મનપામાં સમાવેશ 

કરાયેલા ૧૦ ગામો 

 

ગામ વસ્તી

યોગીનગર

૩૭૪૮

 

પીપલગ

૬૦૪૨

 

ડુમરાલ

૪૬૧૪

 

ફતેપુરા

૩૨૧૭

 

કમળા

૫૧૬૧

 

મંજીપુરા

૧૨૬૩૨

 

ડભાણ

૭૫૫૮

 

બિલોદરા

૯૩૦૩

 

ઉત્તરસંડા

૧૧૮૬૨

 

ટુંડેલ

૫૮૪૨

 

Tags :