નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી
Nadiad Municipal Corporation: નડિયાદ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનામાં બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે.
મળતી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના વિસ્તારોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરપાલિકાની ઓફિસ પર એકઠા થયા હતા. રજૂઆત દરમિયાન કોઈ મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી.
પોલીસની હાજરીમાં મારામારી
આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હતી. પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરીને બંને પક્ષના કાર્યકરોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. જોકે, શરૂઆતમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. આ ઘટનાને કારણે ઓફિસના અન્ય કર્મચારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટના બાદ બંને પક્ષના નેતાઓ એકબીજા પર મારામારી શરૂ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે ભાજપના કાર્યકરોએ પહેલા ઉશ્કેરણીજનક વર્તન કર્યું અને મારામારી શરૂ કરી.
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હંગામાને કારણે નગરપાલિકામાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.