Get The App

ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ 1 - image

- નડિયાદના એડિ. જ્યુડિ. મેજિ.નો ચુકાદો 

- કોર્ટે દ્વારા આરોપીને મહિનામાં વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ, ન ચૂકવે તો વધુ 6 માસની સજા

નડિયાદ : નડિયાદની કોર્ટે ચેક રિટર્ન કેસમાં નડિયાદ મહાનગરપાલિકામાં દબાણ વિભાગના અધિકારીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ એક મહિનામાં વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કરાયો છે. જો તેમ કરવામાં આરોપી નિષ્ફળ જશે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. 

નડિયાદ ફાયર બ્રિગેડના ક્વાર્ટર્સમાં રહેતા રાકેશભાઈ શર્માએ દિકરાના લગ્ન માટે પૈસાની જરૂર પડતા જીતેન્દ્રકુમાર હરિભાઈ ભટ્ટ પાસેથી રૂ. ૧,૬૪,૦૦૦ની લોન લીધી હતી. રાકેશ શર્માએ આ લોનની રકમ ૩૦ દિવસમાં પરત કરવાની બાહેંધરી આપી હતી. જોકે, લોનના પેટે આપેલો ચેક રિટર્ન થતાં જીતેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટે તેમને કાયદેસરની નોટિસ મોકલી હતી. આમ છતાં, લીધેલી લોનના નાણાં પરત ન કરતા જીતેન્દ્રકુમારે નડિયાદની કોર્ટમાં ચેક રિટર્ન થયા અંગે કેસ દાખલ કર્યો હતો. 

આ અંગેનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને એક મહિનાની અંદર વ્યાજ સાથે રૂ. ૧,૮૦,૦૦૦ રૂપિયા ચૂકવી આપવા તેમજ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો આદેશ કર્યો હતો. આ કેસના આરોપી રાકેશ શર્મા નડિયાદ મહાનગરપાલિકામાં દબાણ વિભાગના અધિકારી છે અને અગાઉ ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર તરીકે ભરતી કરાયા હતા.