નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય
- મેલેરિયા વિભાગમાં કર્મચારીઓ જ નથી
- હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારોમાં ચોમાસુ શરૂ થયા બાદ ફોગિંગ સહિતની કામગીરી બંધ હોવાથી હાલાકી
નડિયાદ શહેર સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. શહેરમાં શૈશવ હોસ્પિટલથી દેસાઈ વગા સુધીના ચોતરા તરફના વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને કાદવના થર જામ્યા છે. ઉપરાંત, સફાઈના અભાવે કચરાના ઢગ ખડકાતા વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય વધી રહ્યો છે.
ચોમાસું શરૂ થયા બાદ પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થતા દર્દીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
નડિયાદમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. નાના ખાબોચિયા ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નડિયાદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગનું ફોગિંગ સંપૂર્ણપણે બંધ છે. મનપા બન્યાને ૮ મહિના થવા છતાં મેલેરિયા વિભાગમાં કર્મચારીઓની ભરતી ન કરવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે ત્વરિત સફાઈ સહિતના પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.