નડિયાદ એલસીબી શાખાનો કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો
- દારૂના ખોટા કેસની ધમકી આપી લાંચ માંગી હતી એલસીબીએ છટકું ગોઠવી ગુતાલ ગામેથી પકડયો
નડિયાદના ગુતાલ ગામના નાગરિક અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને આરોપી એલસીબીના કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે ૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે એલસીબી દ્વારા તા. ૩૧મીને ગુરૂવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, આરોપી કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે ફરિયાદીના ઘરે, ઇંદિરાનગર, ગુતાલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. હેતુલક્ષી વાતચીત બાદ તેણે ફરિયાદી પાસેથી લાંચ પેટે માંગેલી ૨૫,૦૦૦ની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરી છે. લાંચિયા પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.