ગુજરાત માહિતી આયોગ દ્વારા કાર્યવાહી
૭ દિવસમાં દંડની રકમ ભરપાઈ ન કરે તો પગારમાંથી રકમ કાપી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે
ગુજરાત માહિતી આયોગમાં હેમંતકુમાર પ્રભુદાસ પટેલ દ્વારા જાહેર માહિતી અધિકારી અને નાયબ કલેક્ટર નિર્ભય ગોંડલીયા વિરુદ્ધ બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી. વિવાદીએ ૨૧-૦૪-૨૦૨૫ના રોજ અરજી કરીને આર.ટી.એસ. અપીલમાં થયેલા હુકમની નકલ માંગી હતી. માહિતી અધિકારીએ ૩૦ દિવસની સમયમર્યાદામાં માહિતી આપવાના બદલે ૦૫-૦૫-૨૦૨૫ના પત્રથી જણાવ્યું કે, રેકર્ડ જૂનું હોવાથી મળી આવ્યું નથી અને શોધખોળ ચાલું છે. આથી, વિવાદીએ ૨૦-૦૫-૨૦૨૫ના રોજ પ્રથમ અપીલ દાખલ કરી. પ્રથમ અપીલ અધિકારીએ ૦૨-૦૭-૨૦૨૫ના રોજ હુકમ કરીને જાહેર માહિતી અધિકારીને માંગણી મુજબની માહિતી ૫ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા આદેશ કર્યો હતો, કારણ કે રેકર્ડ મળી આવ્યું હતું. જોકે, માહિતી અધિકારી દ્વારા બીજી અપીલની તારીખ ૧૧-૦૭-૨૦૨૫ સુધીમાં પણ કોઈ માહિતી કે પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો ન હતો.
આયોગની સુનાવણીની નોટિસ મળ્યા બાદ ૦૮-૧૧-૨૦૨૫ના રોજ રજૂ કરેલા અહેવાલમાં જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું કે, ૦૩-૦૭-૨૦૨૫ના પત્રથી વિવાદીને ૭ દિવસમાં નકલ મેળવી લેવા માટે જણાવાયું હતું, પરંતુ વિવાદીએ કચેરીનો સંપર્ક ન કરતા માહિતી આપી શકાઈ નથી. આયોગે આ કૃત્યને અધિનિયમની જોગવાઈઓ અને ભાવનાથી વિપરીત ગણીને વિવાદીને કચેરીએ બોલાવવાનું કૃત્ય જાણીબુઝીને વિલંબથી માહિતી આપવા સમાન ગણ્યું હતું, કેમકે અધિનિયમમાં નાગરિકને કચેરીએ બોલાવવાની કોઈ જોગવાઈ નથી. ત્યારબાદ, આયોગના આદેશો અન્વયે જાહેર માહિતી અધિકારીએ ૦૮-૧૧-૨૦૨૫ના રોજ વિવાદીને ૧૩ પાનાની માંગણી મુજબની માહિતી વિનામૂલ્યે સ્પીડ પોસ્ટથી મોકલી આપી હતી. જોકે, માહિતી અધિકારી નિર્ભય ગોંડલીયા દ્વારા ૩૦ દિવસની કે પ્રથમ અપીલ અધિકારીના હુકમમાં દર્શાવેલ ૫ દિવસની સમયમર્યાદામાં માહિતી ન આપતા અને નાગરિકને કચેરીમાં આવીને માહિતી મેળવી લેવા જણાવતા, આ વર્તણૂકને અધિનિયમની ભાવનાઓથી વિપરીત ગણવામાં આવી.
આથી, માહિતી અધિકારી નિર્ભય ગોંડલીયાને અધિનિયમની કલમ-૨૦(૧)ની જોગવાઈઓ અન્વયે ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
- 7 દિવસમાં દંડની રકમ ભરપાઈ કરવા આદેશ
આયોગ દ્વારા નાયબ કલેક્ટરને દંડની રકમ આદેશ મળ્યાના ૭ દિવસમાં જમા કરાવીને તેની પહોંચ/ચલણની નકલ ૧૫ દિવસમાં આયોગને મોકલવાની રહેશે તેવો આદેશ કરાયો હતો. તેમજ, દંડ ભરપાઈ ન થાય તો નાયબ કલેકટરના પગાર/ભથ્થામાંથી રકમ કાપીને ૦૫-૧૨-૨૦૨૫ સુધીમાં સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ ૧૦-૧૨-૨૦૨૫ સુધીમાં આયોગને મોકલી આપવા આદેશ કરાયો હતો.


