- ત્રાસ આપીને અગાઉ પણ રૂપિયા 61 હજાર પડાવી લીધા
- શખ્સે મકાનોના મૂળ માલિકાના વારસદાર મારફતે ખોટી અપીલો, છેતરપિંડીની ફરિયાદો કરાવી, શખ્સ સામે ગુનો
નડિયાદ : કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નડિયાદ શહેરના બિલ્ડર બંધુઓને એક શખ્સે જમીન વિવાદમાં ફસાવી દેવાની તેમજ સામાજિક પ્રતિા ખરડવવાની ધમકી આપીને આઠ લાખ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બિલ્ડરે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અજન્ટા પાર્ક ખાતે રહેતા અને કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશભાઈ જીવણભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નડિયાદની કિલ્લેદારી પાર્ટીના સર્વે નંબર ૨૩૩૮/૨, ૨૩૩૯/૨, ૨૩૪૦ અને ૨૩૪૧ વાળી જમીન વર્ષ ૧૯૮૨-૮૩માં ગણોતધારા હેઠળ પ્રીમિયમ ભરી જૂની શરતમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર અને નગરપાલિકાની મંજૂરી મેળવી આ જમીન બિનખેતી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૪માં મૂળ માલિકો ગબાભાઈ બારૈયા અને તેમના પરિવારજનોએ આ જમીન ધનલક્ષ્મીનગર અને શુભલક્ષ્મી નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી. આ સોસાયટીમાં નરેશભાઈના પિતા જીવણભાઈ પટેલે ૧૧૦ મકાનોનું બાંધકામ કર્યું હતું, જેમાં મૂળ માલિકોના પરિવારો પણ વર્ષોથી વસવાટ કરે છે.
આ જમીન વેચાણ કર્યાના ૨૯ વર્ષ બાદ ૨૦૧૩-૧૪માં મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર (રહે શાંતિ ફળિયું, અમદાવાદથી દરવાજા બહાર, નડિયાદ) નામના શખ્સે આથક લાભ મેળવવાના બદ ઇરાદાથી મૂળ માલિકના વારસદાર ભરતભાઈ બારૈયાને ચઢવણી કરી હતી. મુકેશ પરમારે ભરતભાઈ મારફતે નાયબ કલેક્ટર, કલેક્ટર અને ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખોટી અપીલો અને છેતરપિંડીની ફરિયાદો કરાવી હતી. જોકે, તમામ કચેરીઓએ રેકોર્ડની તપાસ કરી આ ફરિયાદો અને દાવાઓ રદ કર્યા હતા. સિવિલ કોર્ટમાં પણ મકાનોનો કબજો લેવાની તેમની માંગણી ફગાવી દેવામાં આવી હતી. જેથી કોર્ટમાં સફળતા ન મળતા મુકેશ પરમારે બિલ્ડર નરેશભાઈ અને તેમના ભાઈ રાજેશભાઈને ખોટી ખોટી ધમકીઓ આપવા લાગ્યો હતો અને પોતાને 'એટ્રોસિટીનો માસ્ટરમાઈન્ડ' ગણાવી, બિલ્ડર પરિવારની મિલકતો પર ઇન્કમટેક્સની રેડ પડાવવાની અને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 'કરોડપતિમાંથી રોડ પર લાવી દઈશ' અને બિલોદરા જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપી સમાધાનના નામે મોટી રકમની નાણાંની માંગણી કરી હતી.
આ શખ્સે માનસિક ત્રાસ આપી અગાઉ ટુકડે-ટુકડે કરી રૂ.૬૧,૦૦૦ પડાવી લીધા હતા. ૨૦૨૩માં બિલ્ડરના પિતા જીવણભાઈના અવસાન બાદ મુકેશ પરમારે રૂ. ૮ લાખની ખંડણીની માંગણી કરી હતી. ગત તા.૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ પણ મુકેશ પરમારે બિલ્ડરને તેમની ઓફિસમાં જઇ નાણાં માટે દબાણ કરી ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે નરેશભાઈ જીવણભાઈ પટેલની ફરિયાદ આધારે મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


