નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર
- જિલ્લાના 10 તાલુકામાં સરેરાશ 5.52 ઈંચ વરસાદ
- વસો, મહુધા, ખેડા અને કઠલાલમાં 5 ઈંચ : વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક : નડિયાદમાં ચાર ગરનાળા પાણીમાં ગરકાવથી શહેર બે ભાગમાં વહેંચાયું
ખેડા જિલ્લામાં આજે ફરી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, નડિયાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને વસો સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે ૬થી ૮ વાગ્યાના અરસામાં કઠલાલમાં ૬૦ મિ.મી. અને મહેમદાવાદમાં ૯૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સવારે ૮થી ૧૦ વાગ્યામાં માતરમાં ૩૮ મિ.મી. અને ખેડામાં ૨૭ મિ.મી., સવારે ૧૦થી ૧૨ વાગ્યામાં વસોમાં ૩૫ મિ.મી., મહેમદાવાદમાં ૩૫ મિ.મી. અને માતરમાં ૩૭ મિ.મી., બપોરે ૧૨થી ૧૪ વાગ્યામાં નડિયાદમાં ૯૦ મિ.મી., માતરમાં ૬૫ મિ.મી., ખેડામાં ૪૨ મિ.મી. અને વસોમાં ૬૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં ૨૧૨ મિ.મી. વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારો તથા ગરનાળાઓમાં પાણી ભરાયેલા રહ્યા હતા. વરસાદ દરમિયાન નડિયાદમાં ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. નડિયાદના લોકોને પૂર્વથી પશ્ચિમ તરફ આવવા-જવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો. નડિયાદ મહાનગરપાલિકાના સંકુલમાં વરસાદી પાણી ભરાયા હતા, પરંતુ તે પાણી પણ વહેલા ઓસર્યા નહોતા.
આગામી સમયમાં વરસાદથી ડાંગરના મબલખ ઉત્પાદનની આશા
ભારે વરસાદથી ચોમાસુ ડાંગરના વાવેતર પર સકારાત્મક અસર જોવા મળશે. ડાંગર એક પાણી-સઘન પાક છે, જેને વાવણીથી માંડીને પાકવાના અંતિમ તબક્કા સુધી વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. સમયસર અને પૂરતા વરસાદને કારણે ખેડૂતોને ડાંગરના ધરૂ રોપવામાં અથવા સીધી વાવણી કરવામાં ઘણી મદદ મળશે. જમીનમાં પૂરતો ભેજ સંગ્રહિત થતાં, સિંચાઈ પાછળનો ખર્ચ ઘટશે અને છોડનો પ્રારંભિક વિકાસ સારો થશે. આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ વરસાદ ચાલુ રહેશે, તો ખેડા જિલ્લામાં ડાંગરનો મબલક પાક થવાની સંભાવનાથી ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે.
અવિરત વરસાદથી પાણી જ પાણી મનપાની ટીમ દોડતી રહી
નડિયાદ વરસાદી કાંસની સફાઈની ટીમ સતત તમામ મહત્વના પોઈન્ટ પર રહી પાણીનો ફ્લો અટકે નહીં અને કચરો વરસાદી કાંસમાં ન જાય તે માટે પ્રયત્નશીલ હોવાનું દેખાયું હતું. જો કે, સામાન્ય વરસાદમાં આ પરીસ્થિતિના કારણે મનપાની કામગીરી સામે પ્રશ્નાર્થ પણ સર્જાયો છે.
તાલુકાવાર વરસાદના આંકડા (ઈંચ)
તાલુકો |
૨૭મીનો
વરસાદ |
કુલ
વરસાદ |
કપડવંજ |
૨.૮ |
૨૪.૭૬ |
કઠલાલ |
૫.૪ |
૨૬.૨૪ |
મહેમદાવાદ |
૮.૬૪ |
૨૫.૭૨ |
ખેડા |
૪.૭૨ |
૧૪.૫૬ |
માતર |
૭.૨૮ |
૨૩.૦૪ |
નડિયાદ |
૮.૮૮ |
૩૯.૮૪ |
મહુધા |
૫.૮૮ |
૨૭.૭૨ |
ઠાસરા |
૨.૫૬ |
૧૩.૯૨ |
ગળતેશ્વર |
૩.૫૨ |
૧૭.૭૬ |
વસો |
૫.૬ |
૨૫.૬૪ |
સરેરાશ |
૫.૫૨ |
૨૩.૯૨ |