Get The App

અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી ગુમ થવાનું રહસ્ય ૮૧ મહિના પછી પણ હજી અકબંધ

આંખમાં આંસુ સાથે માયૂષીની માતા કહે છે, અમેરિકાની તપાસ એજન્સીએ, દીકરીને શોધવા ૧૦,૦૦૦ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યૂં છે

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા ભણવા ગયેલી   વડોદરાની યુવતી ગુમ થવાનું  રહસ્ય  ૮૧ મહિના પછી પણ હજી અકબંધ 1 - image

વડોદરા,મૂળે વડોદરાના પાણીગેટ  વિસ્તારમાં રહેતી યુવતી અમેરિકામાંથી પોણા ૭ વર્ષ પહેલા ગુમ થયા પછી એફ.બી.આઇ.(ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તેની તપાસ શરૃ કરવામાં આવી હતી.તેમછતાંય  હજી યુવતીની કોઇ ભાળ મળી નથી. યુવતીના પરિવારજનોને આશા છે કે, એક દિવસ અમારી દીકરી પરત આવશે. જેથી, તેઓ દીકરીના મોબાઇલ ફોનનું રેન્ટ ૮૧ મહિનાથી  ચૂકવે છે.

પાણીગેટ વિસ્તારની ઓમનગર સોસાયટીમાં રહેતા વિકાસભાઇ ભગત કોર્પોરેશનના વોર્ડ ૯ માં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તેમની દીકરી માયૂષી ૨૧ વર્ષની ઉંમરે જૂન -  ૨૦૧૬  અમેરિકામાં અભ્યાસ માટે ગઇ હતી. ત્યારબાદ તેણે એન.વાય.આઇ.ટી. (ન્યુયોર્ક ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી) માં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ શરૃ કર્યો હતો. 

હાલમાં વડોદરા આવેલા માયૂષીના માતા દિપ્તીબેન અને પિતા વિકાસભાઇએ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, અમે બે વર્ષ પછી એટલેકે વર્ષ ૨૦૧૮ માં અમેરિકા ગયા હતા. તેનું ગ્રેજ્યુએશન પૂરૃં થઇ ગયું હતું અને ૧૯ મે ૨૦૧૯ ના રોજ કોન્વોકેશનનો ્પ્રોગ્રામ હતો. ૨૯ મી એપ્રિલે અમે લોકો ત્રણ  દિવસ માટે બહારગામ ગયા હતા.માયૂષી તેના   ફ્લેટ પર જર્સી સિટિમાં વુ્રમ સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં હતી. બીજે દિવસે તેની બાજુની રૃમમાં  રહેતા પાકિસ્તાની વિદ્યાર્થી રાશીદે ફોન કરીને અમને જાણ કરી કે, માયૂષી રાત્રે ગયા પછી હજી પરત આવી નથી. જેથી, અમે તરત માયૂષીના ફ્લેટ પર પહોંચ્યા હતા. માયૂષીની શોધખોળ કર્યા છતાં તે મળી આવી નહતી. ત્યારબાદ અમે સ્થાનિક પોલીસને જાણ કરતા તેમણે જણાવ્યું કે,  ત્રણ દિવસ રાહ જુઓ. ત્રણ દિવસ પછી સ્થાનિક  પોલીસે અમારો સંપર્ક કર્યો હતો. માયૂષીનો કોઇ સંપર્ક નહીં થતા તેમણે કેસ નોંધ્યો હતો.ત્યારબાદ  અમે વકીલ રોકી તપાસ એફ.બી.આઇ.ને સોંપી હતી.૭ વર્ષ થવા આવ્યા પણ હજી માયૂષીનો કોઇ પતો લાગ્યો નથી. એફ.બી.આઇ. એ ડિસેમ્બર - ૨૦૨૩ માં ૧૦ હજાર ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

વિકાસભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે, અમારી દીકરી એક દિવસ મળી આવશે. જેથી, અમે તેનું સીમકાર્ડ ચાલુ રાખ્યું છે. અમારા પરિવારના સભ્યોના મોબાઇલ નંબરના ગુ્રપમાં માયૂષીનો નંબર  પણ હજી અમે ચાલુ રાખ્યો છે. દર મહિને ૩૫ ડોલર રેન્ટ પણ ચૂકવીએ છીએ.

 મારી દીકરીનો મોબાઇલ ફોન ૧૦ દિવસ સુધી એક્ટિવ રહ્યો હતો

 વડોદરા,

માયૂષીની માતાએ જણાવ્યું હતું કે, ગુમ થયા પછી તેનો મોબાઇલ ફોન ૧૦ દિવસ સુધી એક્ટિવ રહ્યો હતો. તેનું લોકેશન જર્સી સિટિની આસપાસનું જ હતું. અમે તેનેે મેેસેજ કરતા હતા અને સામેથી રિપ્લાય પણ આવતો હતો. આ રિપ્લાય કોણ કરતું હતું. તેની હજી સુધી ખબર પડી નથી. આ અંગે અમે તપાસ એજન્સીને જાણ પણ કરી હતી. ત્યારબાદ અચાનક મોબાઇલ નંબર બંધ થઇ ગયો હતો. પરંતુ, તેનું ફેસબૂક એકાઉન્ટ વર્ષ - ૨૦૨૧ માં ડિલિટ થયું હતું. મારી દીકરીનો નંબર અન્ય કોઇને એલોટ થઇ ના જાય તે માટે અમે હજી તે નંબરનું રેન્ટ ચૂકવીએ છીએ.



ગુમ દીકરીને શોધવા માટે પ્રાઇવેટ ડિટેક્ટિવ પણ  રાખ્યો હતો

 વડોદરા,

અમારી દીકરી સાથે મુંબઇનો એક યુવક ઓમનાથ પણ અભ્યાસ કરતો હતો. તે પણ ચાર વર્ષ પહેલા  મુંબઇ પરત આવી ગયો છે. જ્યારે પાકિસ્તાનનો રાશીદ હજી અમેરિકામાં જ છે. ત્યાં તે ગ્રોસરી શોપમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અમારી દીકરીની ભાળ મેળવવા માટે અમે પ્રાઇવેટ ડિટેક્ટિવ પણ રોક્યો હતો. પરંતુ, મારી દીકરીની ભાળ  હજીસુધી  મળી નથી. અમે દીકરીને શોધવા  માટે અત્યારસુધી એક લાખ ડોલરનો ખર્ચ કર્યો છે.