જામનગરના તરૂણ ક્રિકેટરે સાથે રહેલા પ્રેક્ષકોને પોતાના ઈરાદાની જાણ કરતાં તેમણે સમજાવટ કરી છતાં 6 ફૂટ દીવાલ કૂદી મેદાનમાં ઘૂસ્યો
રાજકોટ, : ખંઢેરી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલા વન-ડે મેચમાં સુરક્ષા જવાનોની નજર ચૂકવી વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘસી ગયેલા જામનગરના ૧પ વર્ષના ક્રિકેટરની પડધરી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે વિરાટ કોહલી તેની માટે ભગવાન છે. તેનો એક માત્ર ઉદ્દેશ તેને ટચ કરવાનો હતો. આ જ કારણથી તે મેદાનમાં ઘસી ગયો હતો.
આ ક્રિકેટરની નજીક બેઠેલા પ્રેક્ષકોએ જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યાથી તે વિરાટ કોહલીને મળવા માટે આતુર હતો. આ વાત તેણે બાજુમાં બેઠેલા પ્રેક્ષકોને કરતાં તેમણે તેમ નહીં કરવા સમજાવટ પણ કરી હતી. આખરે રાત્રે દસેક વાગ્યાની આસપાસ વિરાટ કોહલી જયારે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે મોકો જોઈ 6 ફૂટ દિવાલ કૂદી તેની પાસે ઘસી ગયો હતો.
તે સાથે જ સુરક્ષા જવાનોમાં હલચલ મચી ગઈ હતી. તત્કાળ ગ્રાઉન્ડમાં જઈ તેને સકંજામાં લીધો હતો. પડધરી પોલીસે હાલ તેના વિરૂધ્ધ જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. અધિકારી સૂત્રોએ જણાવ્યું કે બંદોબસ્તમાં તહેનાત સુરક્ષા જવાનોને રિસ્પોન્સ કરવાનો સમય પણ ન મળે તેટલી આ તરૂણની સ્પીડી મુવમેન્ટ હતી. ત્યાર પછી સુરક્ષા જવાનો પરિસ્થિતિ સમજી તત્કાળ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. આ તરૂણ જામનગરની એકેડેમીમાં ક્રિકેટ રમે છે. તેણે રૂા. 2500 ની ટિકિટ ખરીદી હતી. મેચ જોવા માટે તે જામનગરથી ખંઢેરી આવ્યો હતો.


